કોરોના સમયગાળા પછી ખૂબ કાર્યક્રમો અને મેળાવડા થઈ રહ્યા છે. ત્યારે સામાજીક સંદેશ આપતો એક અનોખો કાર્યક્રમ જોવા મળ્યો હતો. સામાજીક ક્ષેત્રે કાર્ય કરતા દિલીપભાઈ બુહા જેઓ પોતાના નવા ફ્લેટમાં રહેવા ગયા એની ખુશીમાં રકતદાન શિબિર અને નિઃશુલ્ક E.C.G કેમ્પ યોજયો. તેની સાથે ઓરકેસ્ટ્રામાં દેશભક્તિનાં ગીતો ગવાયા. એમના દ્વારા આ રીતે લોકોને એક નવો સામાજીક સંદેશ આપ્યો હતો. નવા ઘરે રહેવા જવું એટલે કે વાસ્તુ એમાં ધાર્મિક વિધિ હોય અને ભોજન બાદ છુટા પડવું એ એક સામાજીક પ્રસંગ ગણાય છે. પરંતુ એમાં કાંઈક અનોખું અને અનોઠું જોવા મળ્યું હતું. દિલીપભાઈ બુહાએ નવા ઘરમાં રહેવા જવાની ખુશી ઉપરાંત માતુશ્રી સ્વ. રમીલાબેનની સ્મૃતિમાં ભાવાંજલી રૂપે યોજાયેલ આ કાર્યક્રમમાં મિત્રો, પરિવારજનો અને સામાજીક ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સ્નેહભોજનનું આયોજન કરાયું હતું. જેમાં કોઈપણ પ્રકારની જાહેરાત વિના ત્યાં આવેલા મહેમાનો દ્વારા સ્વૈચ્છિક રીતે રકતદાન કરાતા લોકસમર્પણ રકતદાન કેન્દ્ર દ્વારા 53 રક્તયુનિટ બોટલ એકઠી કરાઇ હતી.
આ કાર્યમાં દિલીપભાઈ બુહાની સાથે 50 વર્ષથી શિક્ષણ, સામાજીક, આરોગ્ય, વ્યવસાય ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓને એક જ સ્થળે એકઠા કરી આનંદમય પળોની સાથે સામાજીક સંદેશ આપીને ઉત્સવ મનાવ્યો હતો.