Social Work

સુરત: 104 વર્ષિય સુપરદાદીએ કોરોનાને મ્હાત આપી આઇસોલેશન વોર્ડમાંથી રજા મેળવી.

સુરત: 104 વર્ષિય સુપરદાદીએ કોરોનાને મ્હાત આપી આઇસોલેશન વોર્ડમાંથી રજા મેળવી.

પચાસ જણનો બહોળો પરિવાર ધરાવતાં 104 વર્ષનાં રળિયાતબેન સાચપરા જેમણે આજ સુધી ચાર પેઢીને એક તાંતણે બાંધી રાખી છે. પ્રપૌત્ર સાથે મોજમસ્તી કરતાં આ પરદાદીને ઉંમરના સીમાડા નડતાં નથી. રોટલો, છાશ ને મરચાં એ જ એમનો પ્રિયમાં પ્રિય ખોરાક. આટલી ઉંમરે પણ નથી તેમને ચશ્માં કે નથી કાનમાં મશીન. તેમને નિત્યકામ માટે પણ કોઇની મદદ લેવી પડતી નથી. એમની તંદુરસ્તી એવી કે લિફ્ટ બંધ હોયતો દોડીને પાંચ માળ ઉતરી જાય.પહેલેથી જ એમણે એટલી કાળજી રાખી છે કે આટલી ઉંમરે પણ શરીરમાં એક રોગ નહીં.

આવા રમતિયાળ, હસમુખા, જોતાં જ ગમી જાય એવાં મળતાવડા રળિયાત બા નો રીપોર્ટ 15 એપ્રિલ એ પોઝીટીવ આવ્યો ત્યારે ઘરના બધાં જ સભ્યો હતાશ થઈ ગયાં. પરિવારે ઘરે જ એમની સારવાર ચાલુ કરી. પણ ત્રીજા દિવસે તેમને ઓક્સિજન લેવલ ઓછું થતાં સુરત ઉત્રાણ સ્થિત સેવા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં સહકારથી લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આઇસોલેશન સેન્ટર પર એમને દાખલ કરાયા. ડો. નંદલાલભાઈ પટેલ અને ડો. શૈલેષભાઈ ભાયાણીનાં માર્ગદર્શન હેઠળ એમની સારવાર શરૂ થઈ, યુવાનો ને પણ શરમાવે એવો જુસ્સો ધરાવનાર રળિયાત બા એ ત્યાં આરામ બાદ આઇસોલેશન સેન્ટર પર ચાલવા ઘોડી મંગાવી. સ્વયંસેવકોએ બા નો હાથ પકડ્યો તો એમણે કહ્યું, હું જાતે ઉભી થઈશ. બા જાતે જ જ્યાં ભજન ચાલતાં હતા ત્યાં ગયા અને પોતાની ભક્તિમાં લીન થઈ ગયા. બા ની એ ભક્તિના જ ફળ સ્વરૂપ આજે 10માં દિવસ બાદ એમનો રીપોર્ટ નેગેટીવ આવતા એમને રજા આપવામાં આવતા પરિવારના સભ્યોએ રાહત અનુભવી હતી.

એમનાં કોરોના નેગેટીવ રીપોર્ટ પર વાત કરતાં એમનાં પૌત્ર ઈશ્વર સાચપરાએ જણાવ્યું કે બા નાં નિરોગી સ્વાસ્થ્ય માટે તેમણે કરેલો પરિશ્રમ અને ભક્તિનો નિત્યક્રમ મુખ્ય છે. આજે પણ પ્રભુભજન ગાવા, ભક્તિ કરવી એમને બહુ જ ગમે. કદાચ એટલા માટે જ ઉત્રાણ આઇસોલેશન સેન્ટર પરના ભક્તિમય વાતાવરણથી એ સ્વસ્થ થયાં છે. પોતાની વાતના અંતમાં આ પરિવારે એ આવા ઉપયોગી આઇસોલેશન સેન્ટર ઉભા કરનાર દાતાઓ, સંસ્થાઓ અને ત્યાં કામ કરનાર સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ કહેવત ખરેખર આવી પ્રેરણાદાયક વ્યક્તિઓ માટે જ લખાઇ હશે. જ્યાં પોઝીટીવનો રીપોર્ટ આવતાં જ અમુક લોકો જાણે હવે જીંદગીથી જ હાથ ધોઇ બેઠા હોય ઍમ વર્તે છે ત્યારે 104 વર્ષના રળિયાત બા એ એક ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *