સુરતની 52 સંસ્થાઓ દ્વારા બનેલા સેવા સંગઠન દ્વારા સૌરાષ્ટ્ર ની સેવા માટે મારુતિ વીર જવાન યુવા ટીમ સાથે ચાર MD ડોક્ટર જેઓ દર્દીનારાયણની સેવા માટે પોતાનો અમુલ્ય સમય આપી ચાર દિવસીય નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. જેમાં આજે પ્રથમ દિવસે આઠ દસ હજારની વસતી ધરાવતું ભેંસાણ ગામનાં આઈસોલેશન સેન્ટરની મુલાકાત લઈ દર્દીઓને તપાસી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ સેન્ટરની ખાસિયત એ છે કે તંત્રની રાહ જોયાં વિના કે કોઈપણ જાતની મદદ વગર સ્થાનિક આગેવાનોએ નિશુલ્ક કોવીડ આઈસોલેશન સેન્ટર શરૂ કરી તેમાં દર્દીઓની સારવાર પણ શરૂ કરી દેવાઇ હતી. જૂનાગઢ જિલ્લાના ભેસાણ અને તેના ગ્રામ્ય વિસ્તારના લોકોને કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવાર માટે આમ તેમ રઝડવું પડી રહ્યું છે અને સારવાર મળતી ન હોઇ ભેસાણના સરપંચ અને તેની ટીમ દ્વારા દાતાઓના સહયોગથી ભેંસાણ લેઉવા પટેલ સમાજ ખાતે 50 બેડનું ઓક્સિજનની સુવિધા સાથે સેન્ટર શરૂ કરાયું છે.
સેન્ટર તૈયાર થતાંની સાથે જ તેમાં દર્દીઓ આવવા લાગ્યા છે. તે તમામ દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહી હોવાથી દર્દીના પરિવારજનોને પણ રાહત થઈ છે. કેમ કે કોરોનાગ્રસ્ત લોકો અને તેના પરિવારજનો સારવાર માટે આમ-તેમ ભટકી રહ્યા હતા તેવા સમયે આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવેલા આઈસોલેશન સેન્ટર ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે.
અહીં દર્દીઓને જ્યુસ, ફ્રુટ, દવા, ઓક્સિજન, ડોક્ટર સહીતની તમામ સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી રહી છે. આ સેન્ટરને શરૂ કરવામાં આયોજક ભુપતભાઈ ભાયાણી, જગદીશભાઈ ખૂંટ, કાળુભાઈ સાવલિયા, રાજુભાઈ મોવલિયા, અરવિંદભાઈ સાવલિયા, રાજુભાઈ પાનસુરીયા, ધીરૂભાઈ કથીરિયા, દલસુખભાઈ હિરપરા અને એમની ટીમનો મુખ્ય ફાળો છે. આ કાર્યમાં સહભાગી થવા માટે સુરતની સેવા સંસ્થા દ્વારા મહેશભાઈ સવાણી, કરૂનેશભાઈ રાણપરિયા સાથે સાથે ડો.શૈલેષભાઈ ભાયાણી, ડો. રમેશભાઈ નકુમ, ડો. ચેતનભાઈ વાઘાણી, ડો. નરેન્દ્રભાઈ પટેલ, ડો. રોનકભાઈ વઘાસિયા, વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા, હિતેશભાઈ ગોયાણી, હિતેશભાઈ ભિકડિયા અને પ્રદિપભાઈ લખાણી અને ટીમના અન્ય સભ્યોને પણ દર્દીનારાયણની સેવા કરવાનો લાભ મળી રહ્યો છે.