Seva Social Work Surat news

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (પાલિતાણા) આયોજિત 17મો સમૂહ લગ્નોત્સવ યુરો ‘દિકરીનું પાનેતર’ યોજાયો.

*સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (પાલિતાણા) આયોજિત 17મો સમૂહ લગ્નોત્સવ યુરો ‘દિકરીનું પાનેતર’ યોજાયો.*

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (પાલિતાણા) સામાજીક ઉત્થાન માટે આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને ખેડૂતના પ્રશ્નો માટે કામ કરતી સંસ્થા છે. જેના દ્વારા 17મો સમૂહ લગ્નોત્સવ યુરો ‘દિકરીનું પાનેતર’ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે, જાત મહેનતથી સંપતિ ઘણા લોકો કમાતા હોય છે પણ તે લોકોના હિતમાં ક્યાં વાપરવી તે પાટીદાર સમાજ સારી રીતે જાણે છે. આ સમુહ લગ્ન તેનું આદર્શ ઉદાહરણ છે. તેમણે સમુહ લગ્નમાં સહભાગી થનાર તમામ નવયુગલોને શુભેચ્છા પાઠવી હતી.

સમુહલગ્ન યુરો ‘દીકરીનું પાનેતર’ માં તમામ વિભાગનાં સૌજન્ય દાતા સ્વ. જીવણભાઇ રાઘવજીભાઇ સાચપરા, માતૃશ્રી પુતળીબેન જીવણભાઇ સાચપરા પરિવાર અને યુરો ફૂડ્સ જે.આર.ગ્રુપ (સુરત) ના શ્રી મનહરભાઇ સાચપરાએ આ શુભ પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોને શાબ્દિક આવકાર્યા હતા તેમજ જણાવ્યું હતું કે, તેમને આવા આદર્શ વિચારો વાળું જીવન આપવામાં તેમના માતા-પિતાનો મોટો ફાળો છે. જેમનો તે ખુબ આદર કરે છે. તેમણે આ પ્રસંગે સૌજન્ય દાતાશ્રી તરીકે જોડાઇને એક એક દીકરીના વાલી બનીને ખરા અર્થમાં તેમનું ક્ન્યાદાન કરવાનો લાભ આપનાર સંસ્થાનો આભાર માન્યો હતો. તેમજ આગામી યોજાનાર સમુહ લગ્નમાં અગાઉથી દાતા તરીકે જોડાનાર દાતાઓ પ્રત્યે તેમણે આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આજે અગિયારસ તુલસી વિવાહના શુભ પ્રસંગે સમાજની દીકરીઓના આમ જાજરમાન સમુહ લગ્ન થાય તેનાથી રૂડો અવસર કયો હોય. આ પ્રસંગને દીપાવનાર લોકોને તેમણે વખાણ્યા હતાં. તેમણે કહ્યું કે, સમાજના શ્રેષ્ઠીઓ જે રીતે શિક્ષણ, આરોગ્ય, સમુહ લગ્ન, બેટી બચાવો અને બીજા અનેક ક્ષેત્રે કામગીરી કરે છે તેનું મારે મન ગર્વ છે. તેમાં પણ બધા દાનમાં સૌથી મોટું દાન ક્ન્યાદાન છે.

સરદારધામ સંસ્થાના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરીયાએ આ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડનાર તમામ નવદંપતિઓને આર્શીવચન કહ્યા હતા. તેમજ આવું દિવ્ય અને ભવ્ય આયોજનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી થનાર તમામ ટીમને તેમણે શુભકામના પાઠવી હતી. વધુમાં તેમણે સરદારધામ વિઝન- મિશન-ગોલ વિશે ઉપસ્થિત તમામ લોકોને માહિતી આપી હતી.

આ સમુહ લગ્નમાં લવજીભાઈ ડાલીયા (બાદશાહ), વલ્લભભાઈ સવાણી, માવજીભાઈ સવાણી, રામજીભાઈ શામજીભાઈ ઈટાલીયા, નનુભાઈ સાવલિયા, દિનેશભાઈ લખાણી તેમજ અનેક સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજકીય મહાનુભાવો અને સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. કુલ 45 યુગલોએ આ સમુહ લગ્નમાં ભાગ લીધો હતો. વધુમાં વધુ આવા સમૂહ લગ્ન યોજાય તે આજના દરેક સમાજની જરૂરિયાત છે કેમકે આવા સમૂહલગ્ન દીકરીઓના માતા-પિતા માટે દેવાનું ટેનશન હળવું કરવામાં પૂરક બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *