Social Work

GPBO સુરતની સફાયર વિંગનો ભવ્ય શુભારંભ.

GPBO સુરતની સફાયર વિંગનો ભવ્ય શુભારંભ

વર્તમાન પરિસ્થતિમાં વૈશ્વિક સ્તરે જયારે ધંધા-રોજગાર ક્ષેત્રે મંદીનો મોહોલ છે ત્યારે અડગ મનના માનવીને જેમ હિમાલય પણ નડતો નથી તેમ સુરતી યુવાનોને કોરોનાનો કહેર પણ નડ્યો નથી. કોવીડ-19ના કપરાં કાળમાં પણ વેપાર-ધંધામાં નેટવર્કીગ દ્વારા પરસ્પર એકબીજાને ઉપયોગી થવાં જી.પી.બી.ઓ. (ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન) સુરત ટીમ દ્વારા વધુ એક વીંગનું ઓનલાઈન લોન્ચીંગ કરવામાં આવ્યું. GPBO (ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન) યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે સરદારધામની વિવિધ પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃતિ છે. જેમાં 14000 થી વધુ નાના-મધ્યમ બિઝનેસમેનના સંગઠન દ્વારા જુદા જુદા ઝોનમાં ટોટલ 10 વીંગ છે. તેમાં હાલ સુરતમાં જ તેની 2 વીંગ કાર્યરત છે. એમાં છોગા સમાન વધુ એક વીંગનુ લોન્ચીંગ કરીને વિકાસ તરફ જાણે વધુ એક સીડી મુકવામાં આવી. આ વેબીનારનો લાભ અલગ અલગ ઝોનના લગભગ 180 જેટલાં બિઝનેસમેનએ લીધો હતો.

આ વીંગ લોન્ચીંગ વેબીનારમાં એમનાં નામ પ્રમાણે પોતાની સારપ વડે લોકોના મનને હરનારા શ્રી મનહરભાઇ સાચપરા (એમ.ડી. & ચેરમેન -યુરો ઇન્ડિયા ફ્રેશ ફુડ લી.) એ યુવાનોમાં નવો જોમ ભરવા ગેસ્ટ સ્પીકર તરીકે ‘વેપારમાં ધીરજનું મહત્વ’ વિષય પર વકતવ્ય આપવા હાજરી આપી હતી. મનહરભાઇએ જે રીતે તેમની દીર્ઘદ્રષ્ટિ અને કુશળ વહીવટ દ્વારા સફળતાના શિખરો સર કર્યા છે તે આજના યુવાનો માટે સફળ બિઝનેસમેન બનવા માટેનું એક આદર્શ ઉદાહરણ છે. 2012માં શરૂ કરેલી તેમની કંપનીએ ખુબ જ ટુંકા ગાળામાં હરણફાળ ભરીને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, દિલ્હી અને મુંબઇમાં યુરો બ્રાન્ડથી સ્નેકસ અને બેવરેજીસ પ્રોડક્ટમાં પોતાનું આગવું માર્કેટ ઉભું કર્યુ છે. આ ઉપરાંત વિદેશમાં પણ યુરો ફુડ્સનો ચાહક્વર્ગ બહોળા પ્રમાણમાં છે. મનહરભાઇએ હરહંમેશ તેમની સફળતાનો શ્રેય પરિવાર અને સમાજને અર્પણ કર્યો છે.તે કારણથી જ તેઓએ અનાથાશ્રમ, હોસ્પિટલ, વૃધ્ધાશ્રમ, સ્કુલો અને વિવિધ સંસ્થાઓમાં દાન અને સમર્પણ દ્વારા આગવું દ્રષ્ટાંત ઉભું કર્યુ છે. વેબીનારમાં યુવાનોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે કોઇપણ બિઝનેસમાં સફળ થવું હોયતો ધીરજ ખુબ જરૂરી છે. પોતાની જાતને અને પોતાના ધંધાને વિકસવા માટે પુરતો ટાઇમ આપો. પોતાનો અનુભવ વર્ણવતાં એમને કહ્યું કે મારાં બિઝનેસની શરૂઆતના ત્રણ વર્ષ ખુબ કસોટીવાળા હતાં. પણ હું હિંમત હાર્યા વગર ધીરજ રાખીને મારાં નક્કી કરેલાં ગોલ-મિશનને મક્કમતાથી વળગી રહ્યો. તેના ફળસ્વરૂપે આજે સફળતાનો સ્વાદ ચાખી શક્યો છું. તમે પણ બિઝનેસમાં રાહ જુઓની નીતિ અપનાવો. તમારાં મિશન, વિઝન અને ગોલ મોટાં રાખો. તમારાં કલાકોનું ટાઇમટેબલ બનાવો. બિઝનેસ સાથે પરિવારને પણ ટાઇમ આપો. એ પણ એટલું જ જરૂરી છે. પોતાના અનુભવનું ભાથું પીરસતાં વધુમાં તેમણે જણાવ્યું કે કોઇપણ બિઝનેસમાં ટાઇમ મેનેજમેન્ટ, આત્મવિશ્વાસ, ક્વોલીટી, કમીટમેન્ટ ,સર્વિસ, ઓનેસ્ટી, હાર્ડવર્ક એ તમામ એના મુળભુત પાયા છે. જેના પર સફળતાની ઇમારત રચાય છે.

પોતાની વાત આગળ વધારતાં મનહરભાઇએ કહ્યું પાટીદાર સમાજ હમેશાં સૌને સાથે લઈને આગળ વધતો સમાજ છે. બીજાં સમાજોને તે હમેશાં કંઈક નવું કરવાની પ્રેરણા આપતો રહે છે ત્યારે સરદાર સાહેબનાં વંશજ હોવાના નાતે આપ પણ સ્વબળે આગળ વધો. કોરોનાથી આ ગભરાવાનો સમય નથી. પણ થોડી સાવચેતી રાખીને એકબીજાનાં સાથ, સહકાર અને હુંફથી આગળ વધવાનો સમય છે. જ્યાં આપ મુંઝાવ ત્યાં કોઇપણ બિઝનેસ અગ્રણી પાસે જઇ ખુલીને વાત કરો. હરહંમેશ હું અને મારાં જેવાં બીજા તમામ અગ્રણીઓ આપને મદદ કરવાં, સલાહ સુચન આપવાં હંમેશા તત્પર છીએ અને રહીશું. હું ઇચ્છું છું કે સરદારધામ જી.પી.બી.ઓ. દ્વારા જ્યારે યુવાનોને નવી રાહ ચીંધીને પ્લેટફોર્મ પુરું પાડે છે ત્યારે પરસ્પર સંઘભાવના – પરિવારભાવનાથી સાથે મળીને આપ સૌ વિકસો અને મિશાલ બની પાટીદાર સમાજના ઇતિહાસમાં આપની નોંધ લેવાય તેવી કામગીરી કરો. આ શુભકામના સાથે એમણે એમનાં વક્તવ્યને વિરામ આપ્યો.

વેબીનારમાં સુરત ટીમનાં યુવાનોના દરેક સાહસમાં એમની સાથે અગ્રેસર રહી, ખભેથી ખભો મિલાવીને સાથ આપતાં એવાં શ્રી કાનજીભાઈ ભાલાળા (ચેરમેન – વરાછા કો.ઓ.બેંક) એ પણ હાજરી આપી હતી. કાનજીભાઈ ભાલાળા એક એવું વ્યક્તિત્વ છે જે પોતાના માટે ઓછું અને સમાજ માટે વધુ જીવે છે. તેમણે સુરત શહેરમાં વર્ષોથી સેવાકીય કાર્યમાં સખત પરિશ્રમ, કોઠાસુઝથી અનેક કાર્યોને નવી દિશા આપી નવી ઉંચાઇએ પહોંચાડી છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં પ્રમુખશ્રી એવમ મોટીવેશનલ સ્પીકર, પોલીટીકલ સાયન્સમાં ઉત્તીર્ણ થનાર કાનજીભાઈ આજની પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે. કાનજીભાઈએ સરદારધામ પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયા અને જી.પી.બી.ઓ. ટીમ સુરતને વીંગ લોન્ચીંગ બદલ શુભકામના પાઠવી. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી જી.પી.બી.ઓ. વિશે માત્ર સાંભળયું હતું આજે ખુદ અનુભવ્યું કે જી.પી.બી.ઓ. આજનાં ડીઝીટલ યુગની જરૂરિયાત છે. જેમાં વિવિધતા છે, હરીફાઇ છે, દરેક સેક્ટરના લોકો એક જ પ્લેટફોર્મ પર છે. જેમાં સૌ માટે સમાન તક છે. પ્રવર્તમાન સમયમાં અમને વડીલોને યુવાનોની ચિંતા હતી તે ચિંતા હવે દુર થઈ છે. એમ.બી.એ. અને બી.બી.એ. માં આપ ચાર વર્ષની મહેનત બાદ ડીગ્રી મેળવો છો જયારે અહીં જી.પી.બી.ઓ.માં ખુબ ટુંકા ગાળામાં આપનું વ્યક્તિત્વ ઘડાય છે. બિઝનેસ કઈ રીતે કરવો એનું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ અપાય છે. તેમજ બ્રાન્ડીગ ઇમેજ કઇ રીતે ઉભી કરી શકાય એનું લાઇવ ટ્રેનિંગ સેશન યોજાય છે, આ એક મેનેજમેન્ટ કોલેજ છે.

વેબીનારના અંતિમ ચરણમાં તેમણે જણાવ્યું કે હું જી.પી.બી.ઓ.ની કામગીરીની ખુબ પ્રભાવિત થયો છું. તેના દ્વારા વિકાસની ખુબ ઉમદા, સરાહનીય અને અફલાતુન કામગીરી થઈ રહી છે. જી.પી.બી.ઓ. સરદારધામે યુવાનોને આપેલી અમુલ્ય ભેટ છે. આવી 11 નહીં પરંતુ 111 વીંગ થવી જોઇએ. દેશનો દરેક યુવાન એકબીજાનાં સાથ-સહકારથી સફળતાને વરશે તો વિશ્વમાં આપણા દેશને મહાસત્તા બનતાં કોઇ રોકી શક્શે નહીં.

More news – www.ngofatafatnews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *