ચાલો જઈએ…વતનની વ્હારે
સેવા ટીમ સુરતનાં મુખ્ય સભ્યો મહેશભાઈ સવાણી, કરૂનેશભાઈ રાણપરિયા, વિપુલભાઈ બુહા સાથે બીજા 5 સભ્યોએ સૌરાષ્ટ્રનાં ગામડાઓની વાસ્તવિક માહિતીઓ અને સત્ય હકીકત નજરે જોઈ આજે જ્યારે તેઓ પરત સુરત ફર્યા છે તેમણે અમરેલી, ભાવનગર, જૂનાગઢ જિલ્લામાં ધારી, લાઠી, પાલીતાણા, વલ્લભીપુર, ગારીયાધાર, સાવરકુંડલા, બગસરા જેવા નામાંકિત નગરો તેમજ આ વિસ્તારનાં તમામ ગામડાઓમાં ચાર દિવસીય પ્રવાસ કર્યા બાદ જે વાસ્તવિકતા નરી આંખે નિહાળી તેમાં સ્થાનિક પ્રસાશન તો જવાબદાર છે પણ એનાથી પણ વધારે જવાબદાર છે ત્યાંના નાગરિકો. જેમાં ખાસ કરીને સંક્રમિત થયેલા વ્યક્તિઓ દ્વારા સમયસર સારવાર ના લેવાનો અભાવ અને કોરોના પોઝિટિવ આવનાર વ્યક્તિઓ પોતાની મનમાનીથી એમને યોગ્ય લાગતી દવાઓ લે છે. તેમજ જાતે નક્કી કરેલા આઈસોલેશન વોર્ડ જેમાં દર્દીઓને એકાંતપણું અને અસહ્ય ગરમીમાં જ્યાં પ્રાણીઓને બાંધવાના સ્થળે આરામ કરતા નજરે દેખાયા. ત્યારબાદ યોગ્ય સારવાર ના લેવાને કારણે ધીમે ધીમે દર્દીઓનાં મૃત્યુ થવા લાગ્યા. આ ઘટનાથી લોકોમાં ડર નો માહોલ પેદા થયો. સમય જતા આવી ઘટનાઓ વધતી ગઈ અને હાલ સૌરાષ્ટ્રમાં ઘણા બધા ગામડાઓમાં પરિસ્થિતિ ખુબ જ વિકટ છે. મૃત્યુનાં આંક દિન પ્રતિદિન વધતા દેખાય છે. ત્યારે એકતા અને સંકલનનો પણ ત્યાં અભાવ દેખાઇ રહ્યો છે. તમામ પક્ષો ટાંટિયા ખેંચની રમત રમી રહ્યા છે. જવાબદાર વ્યક્તિઓ ખુલીને બહાર નથી આવી રહ્યા. સેવા સંસ્થાનાં માધ્યમથી તમામ પ્રકારનું પીઠબળ પૂરું પાડવા છતાંય કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. પરંતુ આ તમામ માહોલમાં ગામડાઓના કેટલાક યુવાનો સ્વયંભુ પોતાની જવાબદારી સમજીને સેવા સંસ્થા સાથે સંકલન કરી સુરત શહેરમાં ચાલતા આઈસોલેશન સેન્ટરોને ધ્યાનમાં રાખી જુદા જુદા વિસ્તારોમાં 400 થી વધારે બેડની વ્યવસ્થાનાં તેમના દ્વારા પ્રયાસો થયા. ટૂંક સમયમાં જ વિશેષ આયોજન સાથે સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં કોરોના સામેની લડતમાં આયોજનપૂર્વક તૈયારીઓ કરી દર્દીઓ ઝડપથી સાજા થઈ શકે અને સૌરાષ્ટ્રનું ગામડું ફરી પાછું જીવિત બને એવા પ્રયત્નો કરવામાં આવશે. આજે ઘણા ડોક્ટરો દર્દીઓને ઉત્તમ પ્રકારની સેવા આપીને શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે. ત્યારે જે ડોક્ટરો માત્ર પૈસાને ખાતર પોતાના સ્વાર્થ માટે દર્દીઓને ખુલે આમ લૂંટી રહ્યા છે. તેવી બાબતો પણ ધ્યાને આવી છે ત્યારે ડોક્ટર મિત્રોને પણ ખાસ અપીલ છે કે મહેરબાની કરી આવું ના કરશો. આ બધું જોયા પછી અંતે એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં જન્મેલ સૌરાષ્ટ્રવાસીઓએ શહેરોમાં આવી ખુબ પ્રગતિશીલ થયા છે. ત્યારે આપણી ફરજ સમજી મારુ વતન મારી ફરજ 7 દિવસ ગામ માટે જેવી યોજના શરૂ કરીને હંગામી ધોરણે લોકોમાં રહેલો ડર, શ્રેષ્ઠ પ્રકારની સારવાર, ઉપયોગી જરૂરી દવાઓ અને જરૂરીયાત મુજબની વસ્તુઓ એકત્રિત કરી સ્વયંભુ પોતાની ફરજ સમજી આ કાર્ય કરવું પડશે. વતન હંમેશા માનવીઓને ઘણું બધું આપે છે. ઓળખ, શોહરત અને પ્રતિષ્ઠા. ત્યારે આ કપરા સમયમાં આપણા સૌ કોઈ એ સાવચેતી સાથે કોરોનાની આ લડાઈમાં સેવા સંસ્થાનાં સહયોગથી આગળ વધવું જોઈએ અને સેવા સાથે જોડાયેલી 52 સંસ્થાઓનાં સભ્યો.
આ સંકલ્પ લઈ કટિબદ્ધ થયા છે કે પોતાના ગામે તા. 8-5-2021 શનિવારે સવારે 8 કલાકે સુરત થી ડોક્ટર ટીમ સાથે રવાના થશે.
▪️હું મારા ગામનાં લોકોમાં રહેલો કોરોના પ્રત્યેનો ડર દૂર કરીશ
▪️યોગ્ય સારવાર માટે મદદરૂપ બનીશ
▪️ગામનાં દરેક ઘરે ઘરે જઈ સાચી માહિતી આપી કોરોનાથી જાગૃત કરીશ
▪️ગામમાં સેવાભાવી સભ્યોને સાથે રાખી નજીકનાં આઈસોલેશન સેન્ટર તેમજ યોગ્ય સારવાર ઉભી કરીશ
▪️મારા ગામમાં દરેક સભ્યોને વેકસીન યુક્ત બનાવી હું મારા ગામને ફરી થી હસતું ખીલતું અને તંદુરસ્ત કરીશ.