યુવાનો દેશની આવતીકાલ છે ત્યારે જ્ઞાન -વિજ્ઞાન- ટેક્નોલોજીની 21 મી સદીમાં યુવાનો માઇન્ડ પાવર અને આઇડીયાલોજીથી આગળ આવે, તેનો સર્વાગી વિકાસ થાય તે માટે મિશન-2026 અંતર્ગત રૂ.1000 કરોડના ખર્ચે 10000 વિદ્યાર્થીઓ માટે ચાર ઝોનમાં પરવડે તેવાં સુવિધાયુક્ત એટલે કે જેમાં જરૂરી તાલીમ કેન્દ્રો હોય,વેપાર વિસ્તરણ માટે બિઝનેસ સેન્ટર હોય તેવાં છાત્રાલયો (Institute) બને તે સરદારધામ સંસ્થાના પાંચ લક્ષબિંદુઓમાંથી પ્રથમ લક્ષબિંદુ છે. જેમાં 200 કરોડના ખર્ચે અમદાવાદ ખાતે ભવન તૈયાર થઇ ગયેલ છે. કોરોનાની ગાઇડ લાઇનને કારણે હાલ તેનું લોકાર્પણ શક્ય નથી. તે કારણે અલગ અલગ ઝોન દ્વારા દર રવિવારે ભવનની મુલાકાતે યુવાનો આવે છે.
સુરતની GPBO, યુવા તેજ તેજ્સ્વીની સંગઠન, સરદારધામ ની મુખ્ય કોરટીમ દ્વારા અમદાવાદ ખાતે એક દિવસીય ટુરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સભ્યો દ્વારા કેળવણીધામ- નિકોલ, સરદારધામ-વૈષ્ણોદેવી સર્કલ અને બંસી ગીર ગૌશાળા-શાંતિપુરા સર્કલની સુરતના યુવાનો દ્વારા મુલાકાત લેવાઇ. ટુરમાં 4 બસના સભ્યો થઇને ટોટલ 221 સભ્યો જોડાયા હતા. નવનિર્મિત ભવ્ય- દિવ્ય ભવનની મુલાકાત લેવાઇ ત્યારે મુલાકાત લેનાર દરેક યુવાનોના દિલમાં એક જ ભાવ હતો કે અંદાજિત 18 લાખની વસ્તી પાટીદાર સમાજ સુરતમાં ધરાવે છે ત્યારે આવું ઉપયોગી છાત્રાલય સુરતમાં કેમ ના થાય? આ ભાવ પ્રગટ થતાંની સાથે જ હરહંમેશ કંઈક નવું કરવાની હામ અને જોમ ધરાવનારા સમસ્ત પાટીદાર સમાજ સુરતના યુવાનો દ્વારા ત્યાંના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન સાથે સરદારધામ હવે સુરત ખાતે પણ નિર્માણ કરીશું એવો સ્વયંભુ સંકલ્પ લેવાયો હતો. આમ જુઓ તો સુરત ખાતે ટોટલ 10 હજાર દીકરા-દીકરીઓ માટે પરવડે તેવા છાત્રાલયની જરૂર છે પણ હાલ 1 હજાર દીકરાઓ અને 1 હજાર દીકરીઓ માટે છાત્રાલય કમ ઇન્સ્ટીટ્યુટ બનાવવા માટેનો સંકલ્પ લેવાયો હતો. સરદારધામ ખાતેના ધર્મનંદન હોલમાં યોજાયેલ કાર્યક્રમ દરમ્યાન પ્રમુખ સેવક ગગજી સુતરીયાની હાજરીમાં સુરતના યુવાનો દ્વારા જ્યારે આ સંક્લ્પ લેવાયો ત્યારે આખો હોલ જય સરદારના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો.
વક્ત કમ હૈ,
જીતના દમ હૈ લગા દો,
કુછ લોગો કો મૈ જ્ગાતા હું,
કુછ લોગોં કો તુમ જગા દો.
આ વિચારને ધ્યાને લઈને અગ્રતાક્રમે બીજા યુવાધનને જગાડવા તેમજ સુરત ખાતે સરદારધામ વહેલી તકે નિર્માણ કરવા એક લેન્ડ કમીટી, એક એડવાઇઝરી કમીટી તેમજ યુવાનોની એક્શન કમીટીની રચના કરવામાં આવી. જમીન સાથે લગભગ- લગભગ 200 કરોડનો આ પ્રોજેક્ટ થવાની સંભાવના છે. ત્યારબાદ યોજાયેલ કાર્યક્રમમાં સુરત ટીમનાં સભ્યો દ્વારા 3 લાખથી વધુ રકમનું દાન વિદ્યાર્થી દત્તક યોજના તેમજ દીકરી સ્વાવલંબન યોજનામાં લખાવાયું હતું.
સરદારધામ અને કેળવણીધામ સંસ્થાની વાત કરીએ તો એ બંને સંસ્થાઓ એક સિક્કાની બે બાજુ સમાન છે. જેમાં બંને સંસ્થાના પ્રમુખસેવક ગગજી સુતરીયાના સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે દેખેલા સપનાને સાકાર કરતા 5 લક્ષબિંદુઓ અંતર્ગત પ્રવૃતિઓ થાય છે. જેમાં પહેલું લક્ષબિંદુ છે પરવડે તેવા ચાર ઝોનમાં છાત્રાલય બનાવવા,બીજું લક્ષબિંદુ સિવિલ સર્વિસ તાલીમ સેન્ટર, ત્રીજું લક્ષબિંદુ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO), ચોથું ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) જ્યારે પાંચમું લક્ષબિંદુ યુવા તેજ-તેજસ્વીની સંગઠન છે. સરદારધામમાં 1600 દીકરા-દીકરીઓ માટે જ્યારે કેળવણીધામમાં 1200 દીકરા-દીકરીઓ માટે રહેવા- જમવા- તાલીમ-માર્ગદર્શન પુરી પાડવાની વ્યવસ્થા છે. તેમાં હોસ્ટેલમાં રહેતી તમામ દીકરીઓને રૂ.1 ના ટોકનદરથી પ્રવેશ અપાય છે. જયારે દીકરાઓને વાર્ષિક 20 હજાર, 10 હજાર અને જરૂરિયાતમંદ તેજસ્વી દીકરાઓને રૂ. 1 ના ટોકનદરથી પ્રવેશ અપાય છે.