*યુવાધન સમા યુવાનો માટે સુરત ખાતે ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું થયું આયોજન*
કોઈ પણ દેશના વિકાસમાં યુવાનોના વિચાર ઈંધણ તરીકે કામ કરે છે. યુવાની એક ઊર્જાનો ધોધ છે. ત્યારે આ ધોધને સાચી દિશામાં વાળવામાં ઉપયોગી થાય એજ સારી સંસ્થાની સાચી નિશાની છે. સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે યુવા શકિતના સર્વાગી વિકાસ માટે એટલે કે યુવાનો માટે સળગતા પ્રશ્ન વેપાર, ઉદ્યોગ અને નોકરી માટે પ્લેટફોર્મ પુરું પાડતી સંસ્થા છે. સરદારધામ માને છે કે કોઈ પણ દેશને આગળ વધારવો હોય તો ત્યાંના યુવાનોને બોલવા દો, તેમને મુક્તપણે પોતાના વિચાર વ્યક્ત કરવા દો, તેમને કામ કરવાની સ્પેસ આપો, તેમની નવી પહેલોમાં એમનું શ્રેષ્ઠ બહાર આવી શકશે તો જ દેશ મહાન બની શકશે.
સંસ્થાના આ વિચારો થકી સમાજના યુવાનોનું વિઝન ક્લીયર થાય અને તેમજ તેમને માહિતી આપીને ઉપયોગી થઈ શકાય તે હેતુસર સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સંગઠન દ્વારા તા.26 ઓગસ્ટ શુક્રવારના રોજ સાંજે 8:30 કલાકે સરદાર પટેલ સ્મૃતિ ભવન ,વરાછા, સુરત ખાતે “યુવા સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ હાજરી આપી હતી. યુવા તેજસ્વીની બહેનોએ દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં યુવા તેજ ગુજરાત કન્વીનર અભિનભાઇ કળથીયાએ સરદારધામ મિશન 2026 લક્ષબિંદુઓ અંતર્ગત થતી કામગીરી વિશે યુવાનોને ઉપયોગી માહિતી આપી હતી. કાર્યક્રમના મુખ્ય હાર્દ સમા યુવા સંવાદ સેશનમાં સરદારધામ પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયાએ યુવાનોનું નેતૃત્વ લઈને અમિતભાઇ મુલાણી દ્વારા પુછાયેલ તમામ પ્રશ્નોના સચોટ જવાબ આપીને યુવાનોને ઉત્સાહિત-પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન યુવા તેજ-તેજસ્વીની સુરત ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. અભિનભાઇ કળથીયા દ્વારા જણાવાયું હતું કે આ પ્રકારના કાર્યક્રમો ગુજરાતભરમાં કરવાનું આયોજન કરાયું છે. જેમાં આગામી કાર્યક્રમો તા.28 ઓગસ્ટ લુણાવડા અને 29 ઓગસ્ટ જુનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.