સુરત થી 280 km દૂર રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડર નજીક વસેલા લુણાવાડા ખાતે આજે ખૂબ સરસ ‘યુવા સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. યુવા શકિતના સર્વાગી વિકાસ માટે સતત અને સાતત્યપૂર્ણ કાર્ય કરતી સંસ્થા એટલે સરદારધામ. અને સંસ્થાના આ વિચારોને છેવાડાનાં સભ્યો સુધી પહોંચાડનાર એટલે યુવા તેજ-તેજસ્વીની સંગઠન.
જેના દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ અંતર્ગત સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કરાય છે. આ પૈકી તા. 26 ઓગસ્ટનાં રોજ સુરત ખાતે સરદાર સ્મૃતિ ભવન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો અને આજે બીજો કાર્યક્રમ મહીસાગર જિલ્લાનાં લાગણીઓથી લથપથ એવા લુણાવાડા ખાતે યુવા સંવાદનો દ્વિતીય કાર્યક્રમ યોજાયો. જેમાં મહીસાગર જિલ્લાનાં આ મુખ્ય શહેરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જેમાં સરદારધામ વિચારને વેગવાન બનાવવા માટે આ વિસ્તારમાંથી 15 ટ્રસ્ટીઓએ જોડાઈ ને 4 કરોડનું યોગદાન નોંધાવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય હાર્દ સમા યુવા સંવાદ સેશનમાં પ્રશ્નોનું નેતૃત્વ HS પટેલ સાહેબ IAS (Retd.) એ કર્યું હતું. જેમાં સરદારધામ પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયાને પુછાયેલ તમામ પ્રશ્નોના સચોટ જવાબ આપીને તેમણે સહુને ઉત્સાહિત-પ્રોત્સાહિત અને માર્ગદર્શીત કર્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન યુવા તેજ-તેજસ્વીની મધ્ય ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં સુરતથી સરદારધામ ટીમ ઉપસ્થિત રહી હતી. 29 ઓગસ્ટ સોમવારનાં રોજ સરદારધામ સૌરાષ્ટ્ર યુવા તેજ તેજસ્વીની સંગઠન દ્વારા જૂનાગઢ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાશે.