નિઃસ્વાર્થ ભાવથી કરેલી સેવામાં હંમેશા ઈશ્વરનાં દર્શન થાય છે, આવા જ એક મિશનને લક્ષ્યમાં રાખી આગળ વધી રહેલા શ્રી કેશુભાઈ ગોટી જેમના દ્વારા અભાવગ્રસ્ત વિસ્તારોમાં શિક્ષણભવનોના નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે. આ ભવનોમાં 50% યોગદાન આપીને પણ કોઈ જગ્યાએ પોતાનું નામ નહીં લખવાનું અને જેઓ બાકીનાં 50% યોગદાન આપે છે એમના નામથી જ ભવનનું નિર્માણ થાય છે. આજના યુગમાં આવી નિઃસ્વાર્થ સેવાકીય ભાવના કોઈપણ મનુષ્યનાં હૃદય જીતી લે એમ છે. માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકભાગીદારીથી અભાવગ્રસ્ત વિસ્તારોમાં શિક્ષણ ભવનો નિર્માણ થઈ રહ્યા છે.જેમાં ડાંગ, વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, દાહોદ, વડોદરા, શામળાજી, જૂનાગઢ, ભાવનગર, પંચમહાલ, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદયપુર, મહિસાગર, અરવલ્લી તેમજ નાગાલેન્ડ, ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ આદિ વિસ્તારોમાં હાલ ભવનો કાર્યરત છે. અભાવગ્રસ્ત વિસ્તારોમાં 208 શિક્ષણભવન નિર્માણ સંકલ્પ માંથી 100 ભવનોનું કાર્ય તો પૂર્ણ પણ થયેલ છે. 175 જેટલા સહયોગી દાતાશ્રીઓ તો મળી પણ ચુક્યા છે. આ કાર્યમાં વિશ્વાસ મૂકી હૂંફ અને મનોબળ પૂરું પાડનાર ઉદાર દાતાશ્રીઓ કોઈપણ પોતાના અંગત સ્વાર્થ વિના સુરતથી દરેક શિક્ષણભવનનાં બાંધકામની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. એવા કર્મયોગી પરિવાર અને સમાજનાં ઉત્થાન માટે તન- મન- ધન અને વિચારોથી સમાજને માર્ગદર્શન અને સમાજનાં ઘડતરમાં જેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે એવા માનવતાનાં આ મહાન કાર્યને બિરદાવવા જેઓ આ કાર્ય સાથે જોડાયેલા છે એમને પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારવા CA પ્રદીપભાઈ સિંધી દ્વારા સ્નેહમિલન અને લોકડાયરાનું આયોજન રાજસ્થાની ભોજન સાથે અવધ ઉટોપિયા ખાતે થયું હતું. જેમાં ઓસમાનભાઈ મીર, શાહબુદ્દીનભાઈ રાઠોડ, ભાવિનભાઈ શાસ્ત્રી એ લોકોનાં મન મોહી લીધા હતા.