સંત, સાવજ અને શુરાની ભૂમિ એટલે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ એટલે હજારો વર્ષોનો ઇતિહાસ સંઘરીને બેઠેલું શહેર. અને આ શહેરમાં આવેલી ગિરનારની તળેટી આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ જો ના હોત તો જૂનાગઢ ભારતનાં નકશામાં ના હોત અને આજે દેશનો નકશો કાંઈક જુદો જ હોત.
સરદાર સાહેબનાં વિચાર એક ભારત શ્રેષ્ઠ ભારતને મૂર્તિમંત કરવા કાર્યરત સંસ્થા સરદારધામ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન યુવા તેજ તેજસ્વીની આયોજીત ‘યુવા સંવાદ’ કાર્યક્રમ જૂનાગઢની ગિરનારની તળેટીમાં કુદરતી વાતાવરણ વચ્ચે અત્યાધુનિક નોબલ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો. જેમાં ખીચોખીચ ભરેલા ઓડિટોરિયમમાં આ વિસ્તારમાંથી વિવિધ ઔધોગિક અને સામાજીક સંસ્થાઓનાં પ્રતિનિધિ, શહેરના અગ્રણી ઉધોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો અને યુવા તેજ તેજસ્વીની સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
યુવા સંવાદ સેશનમાં પ્રશ્નોનું નેતૃત્વ ગુજરાત રાજ્યનાં વરિષ્ઠ સનદી અધિકારી અને મોટીવેશન સ્પીકરશ્રી શૈલેશભાઈ સગપરીયા એ કર્યું હતું અને સરદારધામ પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયા ને પુછાયેલ તમામ પ્રશ્નોના ખૂબ સરસ રીતે જવાબ આપીને સહુને માહિતગાર અને માર્ગદર્શીત કર્યા હતા. કાર્યક્રમ અંતે પાટીદાર સમાજે સામાજીક કુરિવાજો અને પારિવારિક પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ ઘટાડી યુવાનોને ઉપયોગી થવા અને એના સર્વાંગી વિકાસ માટે આગામી 10 વર્ષ સુધી યુવાનોમાં રોકાણ કરવાનો સ્વૈચ્છિક રીતે સંકલ્પ કર્યો હતો જેના શપથ સહુએ લીધા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન યુવા તેજ-તેજસ્વીની સૌરાષ્ટ્ર ઝોન દ્વારા કરવામાં આવ્યું હતું.