કોરોનાકાળ દરમિયાન વિવિધ પ્રકારે અનેક સેવાકીય કાર્ય કરનાર સંઘર્ષ ના સાથી દ્વારા કાર્યક્રમ નંબર 7 નું આયોજન 14 ઓગસ્ટ ની સાંજે સરદાર સ્મૃતિ ભવન ખાતે કરાયું હતું. આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી અજય તોમર સાહેબ, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, કેશુભાઈ ગોટી, નનુભાઈ સાવલિયા, પ્રકાશભાઈ ભંડેરી, સ્નેહલભાઈ ડુંગરાણી તેમજ શહેરનાં મહાનુભાવો એ ઉપસ્થિત રહીને ખરા અર્થમાં આઝાદી કા અમૃત મહોત્સવ તિરંગાના સન્માન સાથે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો.
સંઘર્ષના સાથી ટીમના મુખ્ય સંચાલક કરુણેશભાઈ રાણપરીયા દ્વારા જણાવાયું હતું કે, સુરત શહેરમાં અનેક બાબતો પર કાર્યક્રમો યોજાય છે. જેમાં વિધવા સહાય, ભૂખ્યા ને ભોજન, વૃક્ષારોપણ, પાણી બચાવો, બેટી બચાવો, સ્વચ્છતા અભિયાન કે પછી સમાજને ઉપયોગી બનતા તમામ પ્રકારનાં આયોજન થઈ રહ્યા હોય ત્યારે સુરત શહેર પોલીસ જે રાત દિવસ શહેરને સુરક્ષિત અને સલામત રાખી રહ્યા હોય ત્યારે આપણી ફરજ બને છે કે આ કર્મચારીઓનું પણ સન્માન થવું જોઈએ. ત્યારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 27 પોલીસ સભ્યો જેમનું ફરજ બજાવતી વખતે આકસ્મિક મૃત્યુ થયું હતું.
એમની સેવાને બિરદાવવા એમના પરિવારો જનોને બોલાવી, મહેમાન બનાવીને તેમને સન્માનિત કરીને સાંત્વના અને હૂંફ મળે એ શુભાશય થી પ્રત્યેક પરિવારને એક એક લાખ રૂપિયાની આર્થિક રાશિની સહાય અર્પણ કરાઈ હતી. સાથો સાથ આઝાદીમાં અગત્યનો ભાગ ભજવનાર શૂરવીરોની શોર્યતા, વીરતા, નીડરતા અને બલિદાનની વાતો પારસ પાંધી અને માનસિંહ ગોહિલ દ્વારા સંગીતમય શૈલીમાં જ્યારે રજૂ થઈ ત્યારે શ્રોતાગણોની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી. સહુએ સ્મરણાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ ખુબ સરસ રીતે પરીપૂર્ણ થયો હતો આમ સંઘર્ષ ના સાથી ટિમ દ્વારા સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યા એ કર્તવ્યનિષ્ઠ પોલીસ પરિવારોનું સન્માન કરી 75 મા આઝાદી અમૃત વર્ષ અને હર ઘર તિરંગા અભિયાનની ઉમળકાભેર ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં સુરત શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ, વરિષ્ઠ વ્યક્તિઓ, સામાજીક આગેવાનો અને પોલીસ ડિપાર્ટમેન્ટનાં હોદ્દેદારો અને અધિકારીશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મનીષભાઈ વઘાસિયા દ્વારા થયું હતું.