સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ભવિષ્યમાં ઇતિહાસમાં નોંધ લેવાય તેવા અલગ અલગ કાર્યક્રમોનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે રાષ્ટ્રની સુખાકારી અને યુવા શક્તિના સર્વાગી વિકાસ માટે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે કાર્ય કરતી સંસ્થા સરદારધામ દ્વારા આજે અલગ-અલગ ઝોનમાં વિવિધ આયોજનો કરીને 76માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી હતી.
જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત સરદારધામમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત ખાતે સરદારધામ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સરદારધામ ભવનદાતાશ્રી દિયાળભાઈ વાઘાણી (કપુ જેમ્સ- સુરત) ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને એમણે આપેલી પ્રેરણાત્મક સ્પીચ દ્વારા યુવાનો મોટીવેટ થયા હતા. આ કાર્યક્રમમાં GPBO હોદ્દેદારો, ગાર્નેટ વિંગના સભ્યો,યુવા તેજ-તેજસ્વીની સંગઠન અને સરદારધામ યુવા કોર ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
આજ રીતે અમદાવાદ ખાતે સરદારધામ દ્વારા વિદ્યાર્થીઓની રેલી અને ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ યોજીને ઉજવણી કરાઈ હતી. જેમાં ટીમ સરદારધામ ના હોદ્દેદારો, ટ્રસ્ટીગણ, GPBO અને યુવા તેજ -તેજસ્વીનીના સભ્યો તેમજ 500 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેવી જ રીતે સરદારધામ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર ખાતે ઉમળકાભેર ઉજવણી કરાઈ હતી.