Seva Social Work Surat news

“સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ” એવમ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ અને સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022નો પ્રમોશનલ પ્રોગ્રામ-2 યોજાયો.

સરદારધામ સામાજીક- શૈક્ષણિક- આર્થિક પ્રવૃતિઓ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવને કેન્દ્રમાં રાખીને મિશન 2026 અંતર્ગત યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે 5 લક્ષબિંદુઓ હેઠળ કાર્ય કરતી સંસ્થા છે. આ લક્ષબિંદુઓ પૈકીનું મહત્વનું એક લક્ષબિંદુ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) કે જે રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર 2 વર્ષે યોજવાનો નિર્ણય કરેલ છે અને આ સમિટના માધ્યમથી ઉદ્યોગ, ધંધાના વિકાસ સાથે રાજ્યના વિકાસમાં પણ યોગદાન બની રહે છે. GPBS 2018માં પ્રથમવાર મહાત્મા મંદીર, ગાંધીનગર તેમજ 2020માં હેલીપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ હતો. હવે સરદારધામ દ્વારા 2022ની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ સુરત ખાતે યોજવાનો નિર્ણય કરેલ છે અને તા.26, 27, 28 ફ્રેબુઆરી 2022ના રોજ સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર, સુરત ખાતે યોજાશે. જેનો પ્રમોશનલ કાર્યક્રમ-1 આ જ સ્થળે પ્લેટીનમ હોલમાં 18 સપ્ટેમ્બરે યોજાયો હતો.

સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રના મંત્રીમંડળ તેમજ નવ વરાયેલા રાજ્યમંત્રી મંડળના સભ્યોનું અભિવાદન આજ રોજ સાંજે 4.30 કલાકે સંજીવકુમાર ઓડિટોરીયમ સુરતમાં યોજાયો. આ કાર્યક્રમમાં સુરત અને દક્ષિણ ગુજરાતની 26 જેટલી જુદા જુદા સામાજીક સંગઠનો દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મંત્રીશ્રીઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રીઓ શ્રી પુરૂશોત્તમભાઇ રૂપાલા, શ્રી મનસુખભાઇ માંડવીયા,શ્રી જીતુભાઇ વાઘાણી,શ્રી ઋષીકેશભાઇ પટેલ, શ્રી રાઘવજીભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ શ્રી બ્રિજેશકુમાર મેરજા, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી વિનોદભાઇ મોરડીયા, શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી મુકેશભાઇ પટેલ, શ્રીમતી દર્શનાબેન જરદોશ તેમજ સુરત સર્વ સમાજના સામાજીક અગ્રણીઓ, બિઝનેસ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અભિવાદન કાર્યક્રમની સાથે સરદારધામના ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022નો પ્રમોશનલ કાર્યક્રમ નં. 2 પણ માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. જેમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ડોક્યુમેન્ટરી તેમજ એક્ઝિબિશન અંગેની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના વાપીથી ભરૂચ સુધીના ઔદ્યોગિક તેમજ બિઝનેસના પ્રતિનિધિઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022માં ભાગ લે તે માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. સરદારધામ દ્વારા યોજાતા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ આજ સુધી ગાંધીનગર ખાતે યોજાયા છે. સૌ પ્રથમવાર દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક તેમજ બિઝનેસના હબ તરીકે ઓળખાતા સુરતમાં યોજાશે. આ કાર્યક્રમમાં શ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે, અમારી સરકારમાં કહેવાય છે કે એક વ્યક્તિ કદમ આગળ વધે તો દેશ એક કદમ આગળ વધે પણ એ જ રીતે દેશની 130 કરોડ જનતા એકસાથે કદમ લે તો દેશ 130 કરોડ કદમ આગળ વધે. એટલે જ અમારું સ્લોગન છે સૌનો સાથ- સૌનો વિકાસ. ગ્લોબલ પાટીદાર પાટીદાર બિઝનેસ પણ આ જ સ્લોગન પર કામ કરે છે તો વધુમાં વધુ લોકો આ સમિટમાં જોડાવવું જોઇએ.

કાર્યક્રમમાં પદ્મશ્રી મથુરભાઇ સવાણી (ચેરમેન-સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ-સુરત) એ જણાવ્યું કે, પાટીદાર સમાજ સૌને સાથે લઈને ચાલનારો સમાજ છે. આગામી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટમાં પણ સર્વ સમાજને સાથે રાખીને આયોજન કરવામાં આવશે. સરદારધામ પ્રમુખસેવક ગગજી સુતરીયાએ પોતાના વકતવ્યમાં સંસ્થાના લક્ષ- વિઝન અંગે માહિતી આપી. તેમજ જણાવ્યું કે, આજે 21 મી સદીમાં આપણા દીકરા-દીકરીઓ સમય સાથે તાલ મિલાવી શકે એ માટે આપણે તેમના વાલી બનીને તેમને શિક્ષણ- વેપાર- ઉદ્યોગ ક્ષેત્રે પ્લેટફોર્મ પુરું પાડવું પડશે. જેના માટે સરદારધામ 10 હજાર દીકરા-દીકરીઓ માટે રૂ.1 હજાર કરોડના ખર્ચે ચાર ઝોનમાં છાત્રાલય બનાવશે જેમાં 5000 દીકરીઓને રૂ.1 ના ટોકનદરે રહેવા-જમવા-તાલીમ-માર્ગદર્શન પુરું પડાશે.

કાર્યક્રમના અંતમાં એકદમ સરળ અને શાલીન સ્વભાવ ધરાવનાર માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, એક ભારત શ્રેષ્ઠ ભારત ત્યારે જ બનશે જ્યારે સર્વ સમાજ સાથે મળીને વિકાસ કરશે. હું સરકાર તરફથી આપ સૌને વચન આપું છું કે આપના સમાજ ઉપયોગી કામોમાં સરકારનો આપને પુરેપુરો સહકાર મળશે. જ્યાં જ્યાં દેશ હિત અને સમાજ હિતની વાત હશે ત્યાં અમે ખભે ખભો મિલાવીને આપની સાથે હોઇશું. વક્તવ્યના અંતમાં તેમણે માનનીય પી.એમ.સાહેબ દ્વારા થતા દેશોપયોગી કાર્યોની સરાહના કરી હતી.

કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ પ્રો.ડૉ.જાગૃતિબેન પટેલ, મનિષભાઇ કાપડીયા અને ગણપતભાઇ ધામેલિયા એ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન યુવા તેજ- તેજસ્વીની, Gpbo, Gpbs ટીમ સુરત દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *