Social Work Surat news

સુરતમાં ઘરેથી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનારા 1400 સભ્યોને પ્રથમ વખત સન્માનિત કરાયા.

સુરતમાં ઘરેથી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરનારા 1400 સભ્યોને પ્રથમ વખત સન્માનિત કરાયા.

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં સ્વચ્છતામાં સુરતનો નંબર બીજો છે ત્યારે ઘરે ઘરેથી કચરો લેવા આવનાર વ્યક્તિઓની આમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા છે. ત્યારે તેમના પ્રત્યેનું ઋણ અદા કરવા સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા ‘સ્વચ્છતાદીપ’ સન્માન સમારોહ કાર્યક્રમનું સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે આયોજન કરાયું હતું. જેમાં 1400 જેટલા સફાઈ કર્મીઓ હાજર રહયાં હતા જેમનું આ કાર્યક્રમમાં વિશેષ સન્માન કરાયું હતું.

કોરોના બાદ ડોક્ટરો, સમાજ સેવક, ઓફિસર્સ, કોરોના વોરિયર્સ, આરોગ્ય કર્મચારીઓને તેમની સરાહનીય કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. પરંતુ ઘરે ઘરે દરેક સોસાયટીમાં અને દરેક ઓફીસ સ્થળેથી કચરો લઈ જનાર સુરત શહેરનાં દરેક ઝોનના 1400 સફાઈકર્મી જેઓ 458 વાહનો દ્વારા યોગ્ય સ્થળે પહોંચાડીને એનો નિકાલ કરે છે એમનું પ્રથમ વખત આ રીતે સન્માન કરાયું હતું. તેઓ ફક્ત ઘરનો કચરા અને ઓફિસનો કચરાનો જ નિકાલ નથી કરતા પરંતુ બાયોમેડિકલ વેસ્ટ, ઇન્ડસ્ટ્રીયલ ગારબેજ નો પણ નિકાલ કરે છે.

આપણી સોસાયટી અથવા ઓફિસમાં જેઓ કચરો લેવા આવે છે એને આપણે કચરાવાળા કહીએ છીએ પરંતુ ક્યારેય આપણે વિચાર કર્યો છે કે કચરાવાળા તેઓ નથી પરંતુ ખરેખર આપણે છીએ. કારણકે કચરો આપણે ફેલાવીએ છીએ તેઓ તો આપણાં ઘરેથી કચરો લઈ જઈને કચરાની યોગ્ય વ્યવસ્થા કરે છે.

આ સ્વચ્છતાદીપ સન્માન સમારોહ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી કેશુભાઈ ગોટી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ હોય કે ઉદ્યોગપતિ હોય કે સામાજીક સેવક હોય કે ધાર્મિક સેવક હોય દરેકે દરેક વ્યક્તિ પોત પોતાની ફરજ બરોબર અદા કરે તો જ સબળ રાષ્ટ્રનું નિર્માણ થઇ શકશે. કોરોના દરમ્યાન આપણને સૌને મોટી શીખ એ મળી છે કે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો અને પોઝીટીવ રહીને પોતાનું કર્મ કરો. તોજ તમે સફળ થઈ શકશો. કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર કાનજીભાઈ ભાલાળાએ સમગ્ર સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત ટીમને સન્માનનો આવો સુંદર કાર્યક્રમ આયોજિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ સામાન્ય સન્માન સમારોહ નથી. સુરત શહેરના ઇતિહાસમાં આવો સન્માન કાર્યક્રમ પહેલી વાર ગોઠવાયો હતો. જે પરિસ્થિતિમાં આ સફાઈ કર્મીઓ કામ કરે છે. તે માટે સુરત શહેરની જનતા તેમનો જેટલો આભાર માને તેટલો ઓછો છે. આ સન્માન સમારોહ કાર્યક્રમનું સમગ્ર આયોજન સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરત ટીમના યુવાનો દ્વારા કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *