યોગીચોક આઈસોલેશન સેન્ટરનું બ્લડ ડોનેશન કેમ્પ અને સ્વયંસેવકોના સન્માન સાથે આજ રોજ સમાપન કરાયું.
પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, પારુલ ગ્રુપ (નટવરભાઈ કાછડિયા) અને વોર્ડ નંબર 16 અને 17 આપ જનપ્રતિનિધિનાં સહકારથી ચાલતા આઈસોલેશન વોર્ડનાં સમાપન પ્રસંગે આજે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું. કોરોના કાળમાં રક્તની ખુબ જ અછત છે ત્યારે આ આઇસોલેશન સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં 265 બોટલ રક્તયુનિટ એકઠું થયું હતું. આ પ્રસંગે સમાજશ્રેષ્ઠી શ્રી કાનજીભાઈ ભાલાળા, શ્રી મહેશભાઈ સવાણી, ગોપાલભાઈ ઈટાલીયા અને અનેક સેવાકીય – સામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અગ્રણી સભ્યો પણ હાજર રહ્યા હતા.
45 દિવસીય ચાલેલા આ આઈસોલેશન સેન્ટરમાં સેવા આપતા ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ અને સ્વયંસેવકો દ્વારા પોતાના જીવની ચિંતા કર્યા વગર દિવસ – રાત છેલ્લા દોઢ મહિનાથી જે મોટી માનવસેવા થઈ હતી એ બદલ કુલ 80 સભ્યોને સંસ્થા તરફથી આજ રોજ સન્માનિત કરવામાં આવ્યા હતા. 45 દિવસીય આ સેવાયજ્ઞમાં 165 જેટલા દર્દીનારાયણની સેવા કરવાનો અવસર આ સેન્ટરને પ્રાપ્ત થયો હતો.