સમસ્ત સાચપરા પરિવારનું 13મું સ્નેહમિલન યોજાયું.
સૌરાષ્ટ્રના 22 ગામોનાં સુરતમાં વસતા સમસ્ત સાચપરા પરિવાર સભ્યોનું 13મું સ્નેહમિલન લાડલી ફાર્મ, વેડ ગુરુકુળ રોડ ખાતે યોજાયું હતું. જેમાં પરિવારનાં હોદ્દેદારો, સલાહકારો, કારોબારી સભ્યો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે આ પરિવાર દ્વારા ઘણી રચનાત્મક પ્રવૃત્તિઓ થાય છે. જેમાં પરિવાર સભ્યોનાં સર્વાંગી વિકાસ માટે સમયાંતરે મોટિવેશનલ સેમિનાર, પરિવાર ક્રિક્રેટ ટુર્નામેન્ટ SPL (સાચપરા પ્રીમિયર લીગ) , ભજનથી લઈ ભોજન સુધીની સંપૂર્ણ વ્યવસ્થા સાથે વડીલયાત્રા જેવા ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વખતે લાડલી ફાર્મ કતારગામ ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં બાળકો માટે સામાજીક વિષય પર ચિત્રસ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં બાળકોએ ભાગ લીધો હતો અને એમને પ્રોત્સાહનરૂપે ઈનામ આપી બિરદાવ્યામાં આવ્યા હતા.તેમાં દરેક ધોરણમાં ભણતા બાળકોને 1 થી 3 નંબર ઈનામ આપી સન્માનિત કરાયા હતા. જે બાળકોનો નંબર ના આવ્યો હોય એમને પણ આશ્વાસન ઇનામમાં બુક સેટ, પેન, પેન્સિલ આપી ઉત્સાહમાં વધારો કરાયો હતો. રક્તદાનથી એક માણસ બીજા માણસનો જીવ બચાવી શકે છે તે મેસેજ આપવાના ભાગરૂપે સ્નેહમિલનમાં યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 80 રક્તયુનિટ એકઠું કરી લોકસેવાનું કાર્ય કરાયું હતું. જેમાં જાગૃત સભ્ય અલ્પેશભાઈ ટીમ્બી દ્વારા 55 મી વખત રક્તદાન કરવા બદલ એમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પરિવારનું ગૌરવ વિશિષ્ટ સન્માનમાં બે સભ્યોનાં સન્માન થયા હતા. જેમાં સુરત શહેરનાં ભામાશા અને સામાજીક- સેવાકીય ક્ષેત્રે જેમનું અનોખું યોગદાન છે એવા મનહરભાઈ (યુરો ફૂડસ) નું પરિવાર સહિત વિશેષ સન્માન કરાયું હતું અને યુવા સામાજીક સક્રિય સભ્ય વિપુલ અધેવાડાનું પરિવાર દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. શૈક્ષણિક અને કારકિર્દી ક્ષેત્રે જેમણે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવી હોય એમનું સન્માન કરાયું હતું. ભોજન બાદ રાસ – ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં સમસ્ત સાચપરા પરિવારે સાથે મળીને ગરબા લીધા હતા. કાર્યક્રમ પ્રારંભમાં પરિવાર પ્રમુખ છગનભાઈ બુધેલે સહુને આવકાર્યા હતા. આભારવિધિ મુંબઈથી પધારેલ દિનેશભાઈ લુવારવાવ દ્વારા થઈ હતી. કાર્યક્રમનું સફળ સંચાલન મહેશભાઈ બુધેલ, વલ્લભભાઈ ટીમ્બી, કેતનભાઈ અધેવાડા દ્વારા થયું હતું.