સમગ્ર ભારત દેશમાં આઝાદી અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે તેમાં સહભાગી થવા તેમજ 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે ઉજવાય છે તેના ભાગરૂપે ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરીયર ફાઉન્ડેશન દ્વારા 15 મે ના રોજ સવારે- 8.30 થી રાતના 11 કલાક સુધી સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી, મિનિબજાર ખાતે DICF ધમાચકડી કૌશલ્ય ઉત્સવ આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આખા દિવસ દરમિયાન અલગ અલગ વિષયો પર ટોટલ 48 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આનંદ માણ્યો હતો.
આ આનંદમેળાનો મુખ્ય હેતુ મોબાઈલ યુગમાં પરિવાર સભ્યો એકબીજા માટે સમય ફાળવી શકતા નથી ત્યારે પરિવાર સહિત લોકો આ આનંદમેળામાં ભાગ લે તેમજ પરિવારોને લગતી સમસ્યાઓ અંગે તેમનામાં જાગૃતિ આવે તે હતો. એ ઉપરાંત બીજો હેતુ પરિવારોને અસર કરતી સામાજીક વિષયક પ્રક્રિયાઓનું જ્ઞાન વધારવાની તક પુરી પાડવાનો હતો. આ કાર્યક્રમમાં પરિવાર ભાવનાને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીના લોકો આનંદ લઈ શકે તે માટે ફેશન શો થી માંડીને યોગા સુધીની સફર કરાવવામાં આવી હતી. ફ્રી આંખ નિદાન કેમ્પથી લઈ ફ્રી કુકિંગ ક્લાસમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને લાભ લીધો હતો. સ્વામી વિવેકાનંદ આય હોસ્પિટલ દ્વારા આ આનંદમેળામાં 165 દર્દીઓનું નિદાન કર્યું હતું જેમાંથી જેમને મોતિયાનાં ઓપરેશનની જરૂરિયાત હોય એમને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે, આ કાર્યક્રમમાં પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવેલ હોવાથી શહેરીજનો મિત્ર- પરિવાર સહિત મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં હાજર રહેલ મુખ્ય મહેમાનો અને મંચ પર કૃતિઓ રજૂ કરનાર સભ્યોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.