*સેવા સંસ્થાની સેવાને સફળ બનાવનાર પડદા પાછળનાં યોદ્ધાઓ*
હજારો દર્દીઓના જીવ બચાવવાનું કાર્ય કરતી સેવા સંસ્થાનાં ચાવીરૂપ વ્યક્તિ ગણાતા અજય પટેલ, પંકજ સિદ્ધપરા, ધાર્મિક માલવીયા, વિપુલ બુહા, વિપુલ સાચપરા, સતિષ ભંડેરી , દિલિપભાઈ બુહા, વલ્લભભાઈ ચોથાણી, વિપુલ તળાવીયા જેઓ દિવસ – રાત પોતાના કામકાજ બાજુમાં મૂકીને સેવા કરતા તમામ સંસ્થાઓના પ્રતિનિધિ અને સેવા કરતા કાર્યકર્તાઓનાં વિચારો અને કાર્યને પીઠબળ પુરું પાડી પડદા પાછળ રહી ખુબ મોટી સેવા આપી રહ્યા છે.
1) અજય પટેલ: પ્રથમ દિવસથી જ સૌથી અઘરું અને કઠિન કામ પોતાના ખભે ઉપાડી કોઈપણ પ્રકારની અડચણ આવે તે પહેલાં એનું નિરાકરણ લાવવા માટે બાહોશ અને જવાબદારી ભર્યું કાર્ય તેમણે કર્યુ. જેમકે જ્યારે હોસ્પિટલ અને તંત્ર ઑક્સિજનની મહા કટોકટીનાં સમયે ઝઝૂમી રહ્યું હતું ત્યારે સેવા સંસ્થા દ્વારા રોજની 150 થી વધારે ઓકસીજન બોટલ શહેરનાં જુદા જુદા ઓક્સીજન પ્લાન્ટ પરથી કેવી રીતે ઝડપથી ભરાવી શકાય અને જુદા જુદા આઈસોલેશન વોર્ડ પર જરૂરિયાત મુજબ દર્દીઓ સુધી પહોંચાડવાનું કામ આ વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારની મુશ્કેલી કે વાદ વિવાદ વગર 24 કલાક કાર્યરત રહી કરવામાં આવ્યું. આ વ્યક્તિએ તમામ આઈસોલેશન વોર્ડમાં પ્રાણવાયુ તરીકેનું કાર્ય કરી પોતાની જવાબદારી નિભાવી છે. વાસ્તવમાં તો જ્યારે આ માણસ પાસે બેસીએ ત્યારે જ એમણે કરેલા કાર્યની વિશેષ માહિતી મળી રહે. એમ કહી શકાય કે હજારો દર્દીઓની સૌથી મોટી જરૂરિયાત ઑક્સિજન તો ખરો જ પણ સાથે ઑક્સિજન વાલ્વ પણ પુરો પાડવાની સૂઝબૂઝ અને જવાબદારી આ વ્યક્તિએ બખૂબી નિભાવી જાણી છે.
2) પંકજ સિદ્ધપરા: સમાજની વાત જ્યારે આવે ત્યારે હંમેશા એક નામ લોકોનાં મોઢે સાંભળવા મળે છે એ છે પંકજ સિધ્ધપરા. સેવામાં કોઈપણ પ્રકારની અડચણ આવે ત્યારે આ વ્યક્તિ હંમેશા પડદા પાછળ રહી પોતાની જવાબદારી સમજીને તે કાર્યને સંપૂર્ણપણે પૂર્ણ કરી ઓટો મોમેન્ટમાં કાર્ય કરવાની પદ્ધતિથી સેવાનાં સૈનિકો સાથે ખભે ખભો મિલાવીને 24 કલાક 108ની જેમ કાર્યરત રહી શ્રેષ્ઠ કામગીરી કરે છે. નાનામાં નાના કાર્યકતાને પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધારવા માટે પોતે કરેલા કાર્યનો શ્રેય અન્ય કાર્યકર્તાને આપી શ્રેષ્ઠ સેવા આપી રહ્યા છે. જુનાગઢ જિલ્લાના તે વતની હોવાથી ફરજના ભાગરૂપે તેમણે તે જિલ્લામાં લોકોને આઈસોલેશન સેન્ટરમાં ઉત્તમ પ્રકારની સુવિધાઓ મળી રહે અને સરકાર દ્વારા મળતી સહાયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી આવનારા સમયમાં આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ કરાવવા માટે ગ્રામજનો અને ટ્રસ્ટને સાથે રાખીને ત્યાં સુંદર હોસ્પિટલનું આયોજન કરી રહ્યા છે. આ હોસ્પિટલ બનતા જુનાગઢ જિલ્લાના લોકો માટે ઉત્તમ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે. બોલવાનું ઓછું અને કામ વધુ કરવાનું એવું કોઈ વ્યક્તિને બિરુદ આપવું હોયતો તે આ વ્યક્તિ છે.
3) ધાર્મિક માલવીયા: આ યુવાન સુરત શહેર હોય કે સૌરાષ્ટ્ર હોય કોઈપણ જાતની બીજી મુશ્કેલીનો સમય હોય ત્યારે તે લોકોની સાથે રહી આવી પડેલી મુસીબતોને પોતાની મુસીબત સમજીને કાર્યરત થઈ ઉત્તમ પ્રકારની સેવા આપી રહ્યા છે. તેઓ તંત્ર સાથે સંકલન કરી જરૂરિયાતની મંજૂરીઓ, સરકાર દ્વારા ઉપલબ્ધ થતી વસ્તુઓ કે પછી સરકારી લાભો મેળવવાની વાત હોય ત્યારે કાગળ પર કાર્ય કરી જવાબદારી અને બાંહેધરીપૂર્વક નિર્ણય લાવી ઉત્તમ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે. અમરેલી વિસ્તારમાં જુદા જુદા ગામડાઓમાં સ્થાનિક લોકોનાં પ્રશ્નો સાંભળી ઝડપથી કેવી રીતે નિરાકરણ લાવવું એ માટે સતત પ્રયત્નશીલ એવા આ કાર્યકર્તાની શ્રેષ્ઠ લાયકાત અને વિશિષ્ઠ કામગીરીથી તમામ આઈસોલેશન વોર્ડ ને અનેક પ્રકારનાં ફાયદાઓ થયા છે.
4) વિપુલ બુહા: કોઈપણ સામાજીક કાર્યક્રમ હોય કે અભિયાન હોય એને જો સફળ બનાવવું હોય તો એની પાછળ મુખ્ય આધાર સંચાલન કર્તા કોણ છે એના પર રહેલો હોય છે. સુરત હોય કે સૌરાષ્ટ્ર હોય કે પછી કોઈપણ સામાજીક કે સેવાકીય કાર્ય હોય જેનામાં સંકલનની વિપુલતા છે એવા વિપુલ બુહા પડદા પાછળનું એક એવું વ્યક્તિત્વ છે જેના થકી સામાજીક અને સેવાકીય કાર્યોનું ખુબ જ સુંદર રીતે સંચાલન થઈ સફળ કરાય છે. સુરતની 52 સંસ્થાઓને એક તાંતણે જોડી રાખવી એ કાંઈ નાનુ સુનું કામ નથી. સેવાકીય કાર્યોમાં શ્રમિક રીતે યોગદાન આપનારથી લઈ દાતા સુધીની જે વ્યવસ્થા છે એ ચેનલને બખૂબી રીતે જાણનાર આ વ્યક્તિએ છેલ્લા સવા વર્ષમાં કોરોનાકાળમાં ખુબ મોટી સેવા કરી છે અને પોતાની સેવાથી લોકોનાં દિલ જીત્યા છે. એક નાનામાં નાના સ્વયંસેવકથી માંડીને સમાજનાં મોટા અગ્રણીઓ સુધી અને શૈક્ષણિક ક્ષેત્રથી લઈને તબીબી ક્ષેત્ર સુધી દુનિયામાં જેમનો ડંકો વાગે છે એવા આ વ્યક્તિ કોઈપણ બાબતની સમસ્યા હોય એને ખુબ સારી રીતે ટેકલ કરી પ્રેક્ટિકલ રીતે નિરાકરણ લાવી શકે છે. વિપુલ નો અર્થ જ વિશાળતા થાય છે જેમના સેવાકીય અને સામાજીક કાર્યોનાં સંકલનમાં વિશાળતા છે એવું આ વ્યક્તિત્વ વિપુલ બુહા ખરેખર વિરલ છે.
5) વિપુલ સાચપરા : સૃષ્ટિમાં મનુષ્ય જ માત્ર એક એવો જીવ છે જેમાં દરેક વ્યક્તિ એકબીજાથી અલગ અલગ સ્વભાવે જોવા મળી રહે છે. ત્યારે સુરત શહેરમાં કોઈપણ સંસ્થા હોય , કોઈપણ ઘટના હોય કે કોઇપણ આપત્તિ હોય એ દરેક સમયે પોતાનાથી થતી તમામ સેવાઓ માટે તૈયાર જ હોય તેવું વ્યક્તિત્વ એટલે વિપુલ સાચપરા. આ માણસને અપાયેલ કાર્ય તેમજ બીજાઓ દ્વારા થયેલ કાર્યોને બખુબી જાણી-સમજીને વિપુલ માત્રામાં લોકોનાં હૃદય સુધી પહોંચાડે છે. વિપુલ સાચપરા સુરત શહેરમાં તેમજ દેશ વ્યાપી સોશિયલ મિડિયા અને મોબાઈલનો સકારાત્મક ઉપયોગ કરી બીજાને મદદરૂપ બની કેવી રીતે જીવન જીવી શકાય તેવું ઉદાહરણ પુરું પાડતું શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે. આ વ્યક્તિ સ્વભાવે શાંત અને સરળ છે. તે પોતે ભોળપણ ભરેલું સાદું જીવન જીવીને ઘણી વ્યક્તિઓને મદદરૂપ બન્યા છે. આજે સુરત શહેરમાં એ પત્રકાર નથી પણ પત્રકાર થી કમ પણ નથી. એક જર્નાલિસ્ટ ના લખી શકે કે ના સમજી શકે એ આ વ્યક્તિ દ્વારા લખાયું છે અને લોકો સુધી પહોંચાડાયું છે. આ વ્યક્તિએ શહેર પર આવતી દરેક આપત્તિમાં વિશેષ કામગીરી કરી સેવા સંસ્થા તેમજ બીજી અનેક સંસ્થાઓના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, આ વ્યક્તિ વિશે લખવા કરતા એમના દ્વારા જીવાયેલ જીવન જ તેમના વ્યક્તિત્વની એક મિશાલ છે.
6) સતિષ ભંડેરી: ટેકનોલોજીના યુગમાં કોઈપણ કાર્યને સંપૂર્ણ રીતે અને ઝડપથી લોકો સુધી પહોંચાડવા માટે આધુનિકતાની મહત્વતા ઘણી છે. ત્યારે સુરત શહેરનાં યુવાનો હંમેશા ટેકનોલોજી સાથે તાલ મિલાવી કાર્યરત રહે છે. કોરોનાની મહામુસીબતમાં સોશિયલ મિડિયાની મદદથી સંસ્થાઓને ઝડપથી અને સહેલાઈથી મેસેજો દ્વારા તેમજ ટેલિફોનિક સંકલન કરી ઉત્તમ પ્રકારનું જેમણે કાર્ય કર્યું છે એવા આ કાર્યકર્તા દ્વારા તમામ આઈસોલેશન વોર્ડ પર ઝીણવટભરી બાબતોને ધ્યાનમાં લઈ સંકલન સમિતિ દ્વારા સચોટ નિર્ણય અને સેવાનાં પ્રતિનિધિઓને દરેક બાબતે ન્યાય આપવા માટે સતત પ્રયત્નશીલ રહેનાર આ વ્યક્તિનાં વ્યક્તિત્વની નોંધ લેવી જ રહી.
7) દિલિપ બુહા: સેવાઓ તો અનેક પ્રકારની થતી હોય છે પણ કેટલીક સેવાઓ ખુબ જ નોંધનીય અને જીવન માટે અતિ મહત્વની હોય છે. એક એવી જ સેવા સુરત શહેરનાં શિક્ષણ અને લોહીની સેવામાં કાર્યરત રહેનાર એકમાત્ર વ્યક્તિત્વ એટલે દિલિપ બુહા. કોરોના કાળમાં લોકો અનેક પ્રકારે દાન આપી શકે પરંતુ લોહીનું દાન લેવું એ અતિ મુશ્કેલ હતું ત્યારે આ વ્યક્તિ દ્વારા અત્યારે જ નહી પરંતુ છેલ્લા સવા વર્ષથી પોતાના જીવનમાં આવતી દુઃખદ ઘટનાને ભૂલી થેલેસીમિયાનાં બાળકો, પ્રેગ્નન્ટ મહિલાઓ, બ્લડ કેન્સરથી પીડિત દર્દીઓ ઉપરાંત બીજા જરૂરિયાતમંદ લોકોની લોહીની જરૂરિયાતને સમગ્ર શહેર માટે પોતાની જવાબદારી સમજીને લોકોના ઘેર ઘેર જઇ – સમજાવીને બ્લડ ડોનેશન કરાવીને માનવતાનું શ્રેષ્ઠ કાર્ય થયું છે. જ્યારે જ્યારે શહેરમાં બ્લડડોનેશનના કાર્યની નોંધ લેવાશે ત્યારે આ વ્યક્તિ વિશેષની હંમેશા નોંધ લેવાશે.
8) વલ્લભભાઈ ચોથાણી: છેલ્લા ઘણા વર્ષોથી વરાછા વિસ્તારને અવનવી પ્રવૃત્તિ અને આપતિનાં સમયને જેઓએ ખૂબ નજીકથી જોઈ છે તેવા વડીલ શ્રી વલ્લભભાઈ ચોથાણી. કોરોનાનાં સમયમાં જ્યારે દર્દીઓને સૌરાષ્ટ્ર થી શહેરો તરફ લાવવામાં આવી રહ્યા હતા ત્યારે એમ્બ્યુલન્સ અથવા ગાડીમાં ઓક્સિજનની અછત સર્જાતી હતી જેને લીધે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે એમ હતું. એવી પરિસ્થિતિમાં સેવા સંસ્થાનાં માધ્યમથી શરૂ કરાયેલ તારાપુર ખાતે ઓક્સિજન બોટલની વ્યવસ્થાનું તેમજ દર્દીઓનાં સગા સંબંધી અને જરૂરિયાતનાં દર્દીઓ માટે 24 કલાક સંકલન કરીને ઉત્તમ પ્રકારની સેવા કહી શકાય તેવું કાર્ય આ વ્યક્તિનાં માધ્યમથી થયું હતું. એ વ્યક્તિની બુદ્ધિમતા, સુંદર વાક્યરચના અને પ્રતિભાશાળી વ્યક્તિત્વમાંથી સેવાભાવી સંસ્થાનાં તમામ યુવાનો વિશેષ પ્રકારનું માર્ગદર્શન મેળવીને ઉત્તમ પ્રકારની સેવા કરી શક્યાં હતા.
9) વિપુલ તળાવીયા- વરાછા વિસ્તારનાં મધ્ય સ્થાને બેસી કામરેજથી સ્ટેશન સુધી જેઓ કાર્યરત છે અને જે મેડિકલ ફિલ્ડ સાથે પણ સંકળાયેલ છે તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિમાં હરહંમેશ ખૂટતી કડીઓને પુરી કરવા માટે કાર્યરત છે એવા વિપુલ તળાવીયા. જેઓ દ્વારા તમામ આઈસોલેશન વોર્ડમાં ડોક્ટર, લીગલી મેડિકલ વિષયક બાબતો તેમજ કાયદાકીય તંત્ર સાથે સંકલન કરી નાનીથી લઈ મોટી સેવા કરીને આ યુવાને પોતાની ફરજ અદા કરી છે. આ વ્યક્તિ સેવા સાથે લીગલ પ્રોસેસને વિશેષ ધ્યાનમાં રાખી અડચણરૂપ થતી મેટરને સારી રીતે ટેકલ કરી શકે છે. વતનની વ્હારે તબીબી સારવાર માટે ગયેલી ડોકટરની ટીમને હવાઈ માર્ગ દ્વારા ઈમરજન્સી લેન્ડિંગ કરી સુરત શહેરનાં નામાંકિત ડોક્ટરોને સૌરાષ્ટ્રનાં દર્દીઓની સેવા માટેના સંકલનનું ઉત્તમ પ્રકારનું કાર્ય વિપુલ તળાવીયા દ્વારા કરાયું હતું.