સરદારધામ યુવા તેજ- તેજસ્વીની સંગઠન સુરત દ્વારા મહિલાદિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો
સમગ્ર વિશ્વમાં 8 માર્ચ વિશ્વ મહિલા દિન તરીકે ઉજવાય છે. આ દિવસે ઠેર ઠેર મહિલાદિનને લગતા કાર્યક્રમના આયોજનો કરવામાં આવે છે. સ્ત્રીઓ માટે ખરેખર તો આ દિવસે મળતું માન- સન્માન એક દિવસ પુરતું ના હોવું જોઇએ. રોજે રોજ આ વર્તન વ્યવહાર તેમની સાથે થાય તેની તે હક્દાર છે.
આજ રોજ સરદારધામ સુરત યુવા તેજ તેજસ્વીની સંગઠન દ્વારા સરદાર પટેલ સ્મૃતિ ભવન સુરત ખાતે મહિલા દિન નિમિત્તે “શક્તિ વંદના” એવમ્ મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 600 થી વધુ ભાઇ – બહેનો એ હાજરી આપી હતી. યુવા તેજ – તેજસ્વીની સુરતના ભાઇ – બહેનોએ રાત-દિવસ એક કરીને કાર્યક્રમને સજાવ્યો હતો. કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા સરદારધામના યુવાશક્તિના સર્વાગી વિકાસ માટેના પાંચ લક્ષબિંદુઓ વિશે વિગતવાર માહિતી અપાઇ હતી. સરદારધામ સંસ્થાના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયાએ ઓનલાઇન કાર્યક્રમમાં હાજર રહીને મહિલાદિનની શુભકામના પાઠવી હતી અને કાર્યક્રમના સુંદર આયોજન બદલ યુવાઓને અભિનંદન આપ્યા હતા. તેમના વક્તવ્યમાં તેમણે કહ્યુ કે મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં નામના મેળવી રહી છે. પુરૂષોના ગઢ ગણાતા ક્ષેત્રોમાં પણ તે ગાબડા પાડીને આગળ વધી રહી છે. નારીમાં અપાર શક્તિઓ રહેલી છે. જરૂર છે તો ફક્ત તે શક્તિઓને બહાર લાવવાની અને તેને પુરતી તક આપવાની. જયારે તમે એક નારીને શિક્ષણ આપો છો ત્યારે તમે એક પેઢીને શિક્ષણ આપો છો એમ ગણાય. દરેક રાષ્ટ્રની ઉન્નતિનો આધાર તે દેશની સ્ત્રીઓની ઉન્નતિ પર આધાર રાખતો હોય છે.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ભાવનગરના સમાજસેવી અને પ્રખ્યાત ઉદ્દઘોષક શ્રી નેહલબેન ગઢવીએ પોતાનું હદયસ્પર્શી વ્યકતવ્ય આપ્યું હતું. તેમણે મહિલાઓને બિરદાવતા જણાવ્યું કે સ્ત્રી એ શક્તિનું બીજું રૂપ છે. જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે, સ્ત્રી તે દરેક મુસીબતોનો સામનો કરવાની અદ્દભુત શક્તિ ધરાવે છે. ધીરજ એ સ્ત્રીનો ગુણ છે. ઘર- પરિવાર અને લોકો માટે વિખેરાઇ જવું, વિલીન થઈ જવું, ગુમાવી દેવું, ઓગળી જવું એ સમર્પણ દરેક સ્ત્રીનો ગુણ છે. સ્ત્રીને આજ સુધી સમાજે દેવી સ્થાને બેસાડીને તેના માણસ તરીકેના હસવા, રોવા, થાક્વાના હકથી તેને વંચિત રાખી છે. સૂરજ આજે રોજ જો સવારે નીકળતો હોયને તો તેનું એકમાત્ર કારણ આ પૃથ્વી પર સ્ત્રીઓનું રોજે રોજ નવું જોવા મળતું સૌદર્ય છે. પોતાના વક્તવ્ય દ્વારા નેહલબેને સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતા. સ્ત્રીનું અલગ સ્વરૂપ તેમણે જાણે પોતાના વક્તવ્યમાં બતાવ્યું હતું.
કાર્યક્રમમાં અધિકારી અને રાજસ્વી પાટીદાર મહિલાઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતનાં યુવા તેજસ્વીની કન્વીનર અને સહકન્વીનર શર્મિલાબેન બાંભણીયા – રાજકોટ, રશીલાબેન ધાનાણી – વડોદરા, દક્ષિણ ગુજરાત સુરત ઝોન કન્વીનરો ઉર્વશીબેન પટેલ અને રીંકલબેન જરીવાલાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ ઉપરાંત સરદારધામના ઉપપ્રમુખશ્રી- દક્ષિણ ગુજરાત ઝોન દીયાળભાઇ વાઘાણી અને સ્થાપક ટ્રસ્ટીશ્રી મનહરભાઇ સાચપરાએ પણ ઉપસ્થિત રહીને યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.