*સરદારધામ વડીલો દ્વારા સમાજના યુવાનો માટે તૈયાર કરાયેલી વિકાસની કેડી છે- શ્રી આચાર્ય દેવવ્રતજી*
રાજય સરકાર દ્વારા થતી વાયબ્રન્ટ ગુજરાતમાંથી પ્રેરણા લઇને સરદારધામ દ્વારા તેના 5 લક્ષબિંદુઓ અંતર્ગત યુવા શકિતના સર્વાગી વિકાસ માટે દર 2 વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજવાનો નિર્ણય કરેલ છે અને આ સમિટના માધ્યમથી ઉદ્યોગ, ધંધાના વિકાસ સાથે રાજ્યના વિકાસમાં પણ યોગદાન બની રહે છે. GPBS 2018 પ્રથમવાર મહાત્મા મંદીર- ગાંધીનગર તેમજ 2020માં હેલીપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ- ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ હતી. જેમાં 7 લાખ કરતા વધુ મુલાકાતીઓએ ભાગ લીધેલ હતો. તેવી જ રીતે સરદારધામ દ્વારા 2022ની સમિટ તા.26, 27, 28 ફ્રેબુઆરી 2022ના રોજ સરસાણા – સુરત ખાતે યોજાશે.
આ ગ્લોબલ પાટીદાર બિઝનેસનો પ્રમોશનલ કાર્યક્રમ નં.3 સરદારધામ અમદાવાદ ખાતે માનનીય શ્રી આચાર્ય દેવવ્રતજી (મહામહિમ રાજ્યપાલશ્રી-ગુજરાત રાજ્ય) ના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેમાં દિલીપ સંઘાણી-ચેરમેનશ્રી ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ મુખ્ય મહેમાનશ્રી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સરદારધામ સંસ્થાના ભવનદાતાશ્રીઓ, નામકરણદાતાશ્રીઓ, સ્થાપક ટ્રસ્ટીશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ , ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO) ના સભ્યો, યુવા તેજ-તેજસ્વીનીના સભ્યો , અગાઉની સમિટના સ્ટોલધારકશ્રીઓ, સ્પોન્સરશ્રીઓએ હાજરી આપી હતી.
પ્રમુખસેવક ગગજી સુતરીયાએ કાર્યક્રમમાં પોતાની વાત મુકતાં જણાવ્યું કે, સરકાર, સંસ્થા અને ઉદ્યોગકારો આ 3 ની એક્તા દ્વારા જ દેશનો વિકાસ થઇ શકે છે. આજની 21 મી સદીમાં વેપાર-ઉધોગ- રોજગારમાં જ સર્વ સમાજનો ઉધ્ધાર છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એ વૈચારિક ક્રાંતિ દ્વારા એક આર્થિક ઐતિહાસિક અભિયાન છે. દેશ -દુનિયા સાથે તાલ મેળવવા માટેનુ અભિયાન છે. તો વધુમાં વધુ લોકો આ સમિટમાં વિવિધ સ્વરૂપે જોડાવ એવી એમણે લાગણી વ્યકત કરી હતી.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાની લાગણી વ્યકત કરતાં કહ્યું હતું કે, પાટીદાર સમાજ નિસંદેહ બધા સમાજો માટે પ્રેરણા સ્તોત્ર છે. પાટીદાર સમાજ જેમ ખેતી સાથે જોડાયેલો છે. તેમ મેં પણ પ્રાકૃતિક ખેતીનું અભિયાન ઉપાડ્યું છે. થોડા જ સમયમાં ગુજરાતના તમામ શહેરોમાં બધાં ને પ્રાકૃતિક આહાર મળવાનો શરૂ થશે. તેમણે સૌને અપીલ કરી હતી કે કેન્સર યુક્ત ખાવાનું બંધ કરો. આપણે ફેમીલી ડોક્ટર નહી ફેમીલી ખેડૂત ની જરૂર છે. વધુમાં તેમણે જણાવ્યું કે,સરદારધામ એ વડીલો દ્વારા સમાજના યુવાનો માટે વિકાસની તૈયાર કરાયેલી કેડી છે. તેના દ્વારા યોજાયેલ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટથી ચોક્કસ કોઇ સમાજને નહી પણ દેશને ફાયદો થશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ટિમ GPBO અને યુવા તેજ-તેજસ્વીની સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો.જાગૃતિબેન પટેલ દ્વારા કરાયું હતું.