આઈસોલેશન સેન્ટરોને આર્થિક પીઠબળ પૂરું પાડતું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત.
દુનિયામાં પ્રસરેલી મહામારી કોરોનાની બીજી વેવ જ્યારે દેશમાં હાહાકાર મચાવી રહી છે ત્યારે એના સંક્રમણમાં આવેલા માણસને બચાવવા માટેનાં અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે, સુરત શહેર એટલે સેવાકીય કાર્ય માટેનું હબ, દેશનાં કોઈપણ સેવાકીય કાર્યનો પ્રારંભ સુરત કરે છે. અહીં થતા સેવાકીય કાર્યોથી અન્ય સ્થળો પ્રેરણા લે છે. બોર્ડર પર રક્ષા કરતા જવાનોની વાત હોય કે પછી શહેર પર આવતી કોઈપણ આપત્તિ હોય, સમૂહલગ્ન હોય, સમાજ સુધારવાની વાત હોય કે વ્યસનમુક્તિની વાત હોય શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હંમેશા આગળ રહી સમાજ અને શહેરને એક નવી રાહ ચીંધે છે. વર્ષો પહેલા 1960-70 ના દાયકામાં સૌરાષ્ટ્રમાંથી રોજીરોટી માટે લોકો એ સુરતમાં આવવા નું શરુ કર્યું. ઝરીઉધોગ અને હીરાઉધોગમાં કારીગર તરીકે સૌરાષ્ટ્રવાસીઓએ રોજગાર ની શરૂઆત કરી. સમૂહ ભાવના અને સમાજ ઉપયોગી થવાની લાગણી અને સરળ સ્વભાવ ને કારણે ખુબ મોટી સંખ્યા માં ઝડપ થી લોકો સુરત માં સ્થિર થવા લાગ્યા. સુરતમાં સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ ની વસ્તી લાખોમાં થઇ ગઈ. મોટાભાગે હીરાઉધોગ સાથે સંકળાયેલા હતા અને પછી ધીરે ધીરે ટેક્ષટાઇલ ઉદ્યોગ, એમ્બ્રોઇડરી અને બાંધકામ જેવા અનેક ક્ષેત્રમાં ઉત્તરોઉત્તર પ્રગતી કરી. તેમાં મોટા ભાગનો યુવા વર્ગ હતો. એટલે સામાજિક સંગઠનની જરૂરીયાત ઉભી થઈ. 1960-70 ના દાયકા ના પ્રારંભે સમાજની ચિંતા કરનાર મહાનુભાવોએ સામાજિક સંગઠન ઉભું કરવા અને તેના માધ્યમ થી સમુહલગ્ન આયોજન ની પ્રવૃત્તિ હાથ ધરવા સંકલ્પ કર્યો હતો. 1983 માં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ની સ્થાપના અને વિધિવત નોંધણી પણ થઇ અને સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજની એક સંસ્થાનો પ્રારંભ થયો. ત્યાર બાદ રાષ્ટ્રના રક્ષણ માટે શહીદ થતા વીર જવાનોના પરિવાર ને મદદ કરવાના નિર્ણય સાથે જય જવાન નાગરિક સમિતિ ની સ્થાપના 1999 માં કરવામાં આવી. જેમાં દેશમાં ફરજ બજાવી રહેલ જવાનોના મનોબળ મજબુત બને અને લોકો તેમની સાથે છે તેવો સંદેશ પહોંચાડવાનો નમ્ર પ્રયાસ પણ થયો છે. છેલ્લા સવા વર્ષમાં કોરોના મહામારીમાં વરાછા કતારગામની અનેક સંસ્થાઓએ સેવાકીય કાર્યો કર્યા. જેમાંથી સૌથી અનોખું અને અનોઠું કાર્ય શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ કરી રહી છે. પહેલા વેવ લોકડાઉનમાં જ્યારે વ્યાપાર ઉદ્યોગ બંધ થઈ જવાથી સૌથી વધુ જરૂરિયાત અનાજ કરિયાણાની હતી. ત્યારે ગંગા સ્વરૂપ બહેનોને 50 કિલો ઘઉં સાથે 3 મહિના ચાલે એટલી ઉત્તમ પ્રકારની રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમને આરોગ્ય અને શિક્ષણ સહાય પણ આપવામાં આવી હતી. સાથે કોરોનાકાળમાં એક જ દિવસે એક જ સમયે પોતપોતાના ઘરે 62માં સમુહલગ્નનું સફળ આયોજન થયું હતું, સંસ્થા દ્વારા હોસ્ટેલ પ્રોજેકટની તૈયારી થઈ રહી હતી. ત્યાં લોકડાઉન આવી ગયું પછી બીજા વેવમાં સ્થિતિ વધુ ગંભીર બની એટલે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ સુરત એ નક્કી કર્યું કે આ મહામારીમાં સેવાકીય કાર્યમાં બને એટલું મદદરૂપ બનવું સંસ્થા મહેશભાઈ સવાણીની સાથે બીજી અનેક સંસ્થાઓથી બનેલી ‘સેવા’ સંસ્થા સાથે જોડાઇ અને ટૂંક સમયમાં જ સુરતના જુદા જુદા વિસ્તારમાં 13 કોવિડ કેર સેન્ટર શરૂ કરી દીધા. હીરાના કે એમ્બ્રોડરીના વ્યવસાય સાથે સંકળાયેલા અને માંડમાંડ પરિવારનું ગુજરાન ચલાવતા સામાન્ય લોકોને કોરોના સામેની લડાઈમાં આર્થિક ફટકો ન પડે એટલે સારવાર, દવા અને ભોજન સહિતની તમામ પ્રકારની સેવા કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર આપવાનું નક્કી થયું. નાના-મોટા દિલેર દાતાઓએ પણ પોતાની યથાશક્તિ દાન આપ્યું અને જુદા જુદા 13 કોવિડ કેર સેન્ટરમાં 600 કરતા વધુ દર્દીઓની સારવાર ચાલુ થઈ.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત સંસ્થાનાં પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા એ વિશેષમાં જણાવ્યું કે આ મહામારીમાં દરેક સંસ્થાઓ પોત પોતાની રીતે સેવાઓ કરે છે. અમુક સંસ્થાઓની ક્ષમતાઓ માનવબળની છે. આ સમગ્ર વ્યવસ્થામાં આર્થિક પીઠબળ ખુબ જ મહત્વનું છે. કારણકે આ મહામારી હજુ પણ વધુ લાબું કેટલો સમય ચાલે એ નક્કી નથી માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આઈસોલેશન સેન્ટરમાં આર્થિક રીતે પૂરું પીઠબળ પૂરું પાડશે અને કોઇપણ જગ્યાએ આ બાબતે ક્યારેય નહીં ઘટતું કરવા દે એવી ખાત્રી આપી છે. સાથે સાથે દરેક સેન્ટર પર બપોરે અને સાંજે ભોજનની વ્યવસ્થા આ સંસ્થા દ્વારા થઈ રહી છે. તેમણે વિશેષમાં ત્યાં સુધી જણાવ્યું છે કે જો પરિસ્થિતિ હજુપણ ખરાબ થઈ તો માનવજાત ને બચાવવા માટે હોસ્ટેલ પ્રોજેકટનાં ફંડનો પણ ઉપયોગ કરાશે. ધન્ય છે આ વિચારતત્વને જ્યાં સુધી આવી સંસ્થાઓ આ શહેરમાં છે ત્યાં સુધી શહેરીજનોને ચિંતા કરવા જેવું નથી. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ જોયા પછી એવું લાગી રહ્યું છે કે સમાજનાં શ્રેષ્ઠીઓ અને માર્ગદર્શકો દ્વારા પ્રેરિત યુવા પેઢી ખુબ સુંદર રીતે બધી જ એક્ટિવિટી કરી રહી છે.
સંસ્થાનાં પ્રમુખશ્રી કાનજીભાઈ આર . ભાલાળા, મંત્રીશ્રી અરવિંદભાઈ પી . ધડુક, ઉપપ્રમુખશ્રી સવજીભાઈ કે . વેકરીયા, સહમંત્રીશ્રી શ્રી કાંતિલાલ એસ . ભંડેરી, ખજાનચીશ્રી મનહરભાઈ જે . સાચપરા, કો – ઓર્ડીનેટરશ્રી હરિભાઈ આર . કથીરીયા, જો.કો – ઓર્ડીનેટરશ્રી રમેશભાઈ એન . વઘાસીયા અને વરાછા કો.ઓપ બેન્ક ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા સુંદર સંચાલનથી સાબિત થાય છે કે સુરત શહેર અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં યુવા મિત્રો ભવિષ્યની આવનારી જવાબદારીઓ પોતાના ખભે લઈ શકે છે.