જરૂરિયાતમંદોને ઓકિસજનની ૧૦૦ બોટલો પહોંચાડવાનો સંકલ્પ : મનિષ કાપડીયા
શહેરનો દરેક યુવાન જો આવા સંકલ્પ સાથે જીવનમાં આગળ વધશે તો દેશમાં એકેય સમસ્યા નહીં રહે.
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્ ખજાનચી તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય મનિષ કાપડીયા કોવિડ– ૧૯ના સંકટ સમયે હોમ કોરન્ટાઇન થયેલા કોરોનાના દર્દીઓના વ્હારે આવ્યા છે. ઓકિસજનની ૧૦૦ બોટલો વિનામૂલ્યે દર્દીઓ સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આગળ વધી રહેલા મનિષ કાપડીયા આફ્રિકન દેશોમાં પોતાના સંબંધોનો ઉપયોગ કરીને દેશમાં ક્રાયોજેનિક ટેન્ક મંગાવવા માટે પ્રયાસ કરી રહયા છે.
મનિષ કાપડીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની સેકન્ડ વેવને કારણે દેશભરમાં આરોગ્ય તંત્રની હાલત કફોડી થઇ ગઇ છે. શહેર સહિત દેશભરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ ગઇ હતી. એવામાં કોરોનાના કેટલાક દર્દીઓ હોમ કોરન્ટાઇન થઇને જ ઘરે સારવાર લઇ રહયા હતા. હોસ્પિટલમાં પણ ઓકિસજનની અછત વર્તાઇ રહી હતી ત્યારે ઘરે સારવાર લઇ રહેલા દર્દીઓની હાલત અત્યંત કફોડી બની ગઇ હતી. ઓકિસજનની બોટલો માટે નજીકના સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળમાંથી દરરોજ આવતા ફોન કોલ્સને કારણે ઓકિસજનના બોટલોની અછતની ગંભીરતા સમજાઇ હતી. આવા દર્દીઓને મદદરૂપ થવાના એક પ્રયાસના ભાગરૂપે મિત્ર વર્તુળો તેમજ પરિચીતોને વોટ્સએપ ઉપર મોકલેલો મેસેજ કામ કરી ગયો અને જુદી–જુદી વ્યકિતઓ તરફથી ઓકિસજનની બોટલો માટે દાન મળતું ગયું હતું.
તેમણે જણાવ્યું હતું કે, સુરત જ નહીં પણ અમેરિકા અને દુબઇમાંથી પણ મિત્રોએ ઓકિસજનની બોટલો ખરીદવા માટે યથાશકિત મુજબ દાન આપ્યું હતું. આ દાનમાંથી ઓકિસજનની ૧૦૦ જેટલી બોટલો જરૂરિયાતમંદોને પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો. ધીરે ધીરે એક, બે અને દસ એમ કરતા કરતા ૭ર જેટલી ઓકિસજનની બોટલો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટમાં કાર્યરત થયેલા આઇસોલેશન સેન્ટરમાં સારવાર હેઠળ કોરોનાના દર્દીઓ માટે પહોંચાડવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓકિસજનની બોટલોની સાથે સાથે અમેરિકામાંથી ૩ર જેટલા ઓકિસજન કોન્સન્ટ્રેટર મંગાવીને સૌરાષ્ટ્રમાં પહોંચાડવામાં આવ્યા હતા. તેમણે કહયું કે, ભારતમાં ઓકિસજનની અછત નથી પણ ઓકિસજનને હોસ્પિટલો તેમજ અન્ય સ્થળે પહોંચાડવા માટે સ્પેશિયલી જે ક્રાયોજેનિક ટેન્કનો ઉપયોગ કરવામાં આવે છે તેની અછત છે. આથી પોતાના આફ્રિકન દેશો અને ગલ્ફ દેશો સાથેના સંબંધોનો ઉપયોગ કરીને દેશમાં ક્રાયોજેનિક ટેન્ક મંગાવવા માટે પણ તેઓ પ્રયાસ કરી રહયા છે.
મનિષ કાપડીયા કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે શરૂ કરવામાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં ર૪ કલાકમાંથી ૧૮ કલાક કામ કરી રહયાં છે. નિષ્ણાંત તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ યુવા મિત્રો મળી તેમની ૧૦૦ જણાંની ટીમ કોરોનાના દર્દીઓની સારવાર માટે ખડેપગે તૈનાત છે. તેઓ કહે છે કે, બેચ વાઇઝ તમામ મિત્રોને કામગીરી સોંપવામાં આવી છે. જેથી કરીને કોઇપણ દર્દીને અથવા તેના સગાને અગવડ નહીં પડે. યુવા મિત્રોની ટીમ દર્દીઓને પૌષ્ટીક આહાર પણ આપે છે. અહીં તમામ દર્દીઓના આરટીપીસીઆર રિપોર્ટ પણ વિનામૂલ્યે જ કરી આપવામાં આવે છે. આઇસોલેશન સેન્ટરમાં એમ્બ્યુલન્સની પણ સેવા આપવામાં આવે છે. પ૪ બેડ ધરાવતા આઇસોલેશન સેન્ટરમાં અત્યાર સુધી ર૬ર જેટલા કોરોનાના દર્દીઓએ સારવાર લીધી છે. ખૂબ જ આનંદની વાત છે કે, આ સેન્ટરમાં એકેય દર્દીએ જીવન ગુમાવવાનો વારો આવ્યો નથી અને તમામે તમામ કોરોનામુકત થઇને પોતાના સ્વજનની સાથે ઘરે પરત ગયા છે.
તેમણે કહયું કે, આ સમયગાળા દરમ્યાન ઘણા દર્દીઓ તેમજ તેમના સ્વજનોના આશિર્વાદ અમારી ટીમને મળ્યા છે. સાથે જ એવા લોકોના અપશબ્દો પણ સાંભળ્યા છે કે જેઓના સ્વજનને અમારા આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરી શકયા ન હતા. અમારી મજબુરી હતી કે આઇસોલેશન સેન્ટરમાં વેન્ટીલેટર ન હોવાને કારણે કોરોનાના દર્દીના જાનનું જોખમ ઉભું ન થાય તે માટે તેઓને દાખલ કરાયા ન હતા.