સુરત શહેરના સરથાણા ખાતે આવેલ શ્રી નિકેતન ફાર્મમાં વૈષ્ણવાચાર્ય શ્રી પુરૂષોત્તમલાલજી મહારાજશ્રીના મંગલ સાનિધ્યમાં ચાંચડ પરિવારના હાર્દિકભાઈ નટવરભાઈ ચાંચડના યજમાનીમાં મંગલ પુષ્ટિમાર્ગીય મનોરથનું ભવ્ય આયોજન થયું હતું.
જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક વૈષ્ણવજનોને ઠાકોરજીના પલના નંદમહોત્સવ અને કુંજના દર્શનનો અલૌકિક લ્હાવો પ્રાપ્ત થયો હતો.
સાથે મહારાસ કીર્તન, શ્રી યમુનાજી લોટી ઉત્સવ, ચાંચડ પરીવારના વડીલ સ્વજનોની માળા પહેરામણી તેમજ હોરી ફૂલફાગ રસિયા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ પ્રસંગે વૈષ્ણવાચાર્યજી દ્વારા પુષ્ટિમાર્ગીય હિંદુ સંસ્કૃતિ વિશે વચનામૃત પાઠવ્યા હતા. વધુમાં, મનોરથી ચાંચડ પરિવાર દ્વારા આ ધાર્મિક કાર્યની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની એક ઉમદા ભાવનાથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા વાલક ચોક ખાતે નિર્માણાધિન હોસ્ટેલ પ્રોજેક્ટમાં પણ ભૂમિદાનનો પ્રેરણાત્મક સંકલ્પ કર્યો હતો.
જે રાશિનો ચેક ગુજરાત રાજ્ય શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા, હરિભાઈ કથીરિયા અને ભીખુભાઈ ટીંબડીયાએ સ્વીકારી મનોરથી પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.