નશીલા પ્રદાર્થની જાગૃતિ માટે ડ્રગ્સ અવેરનેસના બેનરો પહેરીને રમાયા અનોખા ગરબા.
નશીલા પદાર્થનું સેવન દેશની યુવા પેઢીને અંદરથી ખોખલી કરીને બરબાદ કરી રહી છે. નશીલા પદાર્થનું સેવન કરતા અંગ્રેજોને ગાંધીજી દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. તેવી જ રીતે ગાંધી જયંતિના પવિત્ર દિવસે ગાંધીના ગુજરાતમાં સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નશીલા પ્રદાર્થની જાગૃતિ માટે ડ્રગ્સ નાબુદીનાં બેનરો પહેરી અનોખા ગરબાનો પ્રારંભ થયો છે. નશાખોરી ની જાગૃતિ માટે સંસ્થા દ્વારા મોટા વરાછા વિસ્તારની ગાર્ડનવેલી રેસીડેન્સી સોસાયટીથી ડ્રગ્સ નાબુદી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સુદામા ચેરીટેબલ ટ્રસ્ટનાં સભ્યો, આસપાસ ની શાળા સંચાલકો અને વિવિધ સોસાયટીનાં પ્રમુખો અને ગાર્ડન વેલી સોસાયટીના સભ્યો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. સાથે સાથે નવરાત્રી નિમિતે વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ડ્રગ્સ અવેરનેસના બેનરો પહેરીને ગરબા રમવાનું શરુ કરવામા આવ્યું છે.
સુરત ખાતે હાલ મોટા વરાછા, સુદામા ચોક ,ઉત્રાણ, અબ્રામા અને યોગીચોક જેવા અન્ય વિસ્તારોની અંદર કોમર્શીયલ શોપિંગ સેન્ટર પર અમુક જગ્યાએ નશીલા પ્રદાર્થનું વેચાણ અને સેવન થઈ રહ્યું છે. તેનાથી યુવાધન એટલે કે 15 થી 25 વર્ષના બાળકો જેઓ દેશની આવતીકાલ છે તેઓ અભ્યાસ કરતા કરતા ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે. જેમની પાસે રૂપિયા પણ ન હોય તે પોતાના ઘરમાં જ ચોરી કરી રહ્યા છે. અથવા સગા સંબંધી પાસેથી પૈસા ઉછીના લે છે, વ્યાજે લે છે અને અંતે તે રૂપિયા ચૂકવી ન શક્તા આપઘાત , લુંટ હત્યા અને ગુન્હાખોરી તરફ વળી રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ડ્રગ્સને કારણે કેટલાય યુવાનોની જીંદગી પૂરી થાય છે.
સરકારના ડ્રગ્સ મુક્ત અભિયાનને સહયોગ કરી શકાય એ માટે હાલ મોટા વરાછાથી આ જનજાગૃતિ કાર્ય શરૂ થયું છે જેને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આગામી સમય દરમિયાન આ સંસ્થા દ્વારા મોટા વરાછા, સુદામા ચોક ,ઉત્રાણ, અબ્રામા અને યોગીચોક જેવા અન્ય વિસ્તારોની સોસાયટીમાં આ જાગૃતિ અભિયાન અન્ય રીતે ચલાવવામાં આવશે એમ સંસ્થાનાં પ્રમુખ રોનકભાઈ ઘેલાણી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.