*વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફીનો શોખ ધરાવતા કેમેરાનાં કરામતીએ મેળવ્યું નેશનલ જીઓગ્રાફીમાં સ્થાન*
કહેવાય છે ને કે શોખ બડી ચીઝ હૈ…વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફી એટલે એમાં જંગલી થવું પડે, કોઈપણ આવકની અપેક્ષા વગર દિવસો અને કલાકો એક જ જગ્યાએ નીકળી જતા હોય છે. એક ક્લિક માટે પૂરો કસ નીકળી જતો હોય છે. વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફી જેમનો શોખ છે અને આ શોખ પૂરો કરવા જે ઘણા બધા ગુજરાતના જંગલોમાં ફરેલા છે એવા સુરતનાં એક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર દિનેશ ખૂંટ. જેઓ એ મેળવ્યું છે નેશનલ જીઓગ્રાફીમાં સ્થાન
નેશનલ જીઓગ્રાફી એટલે આમ જોવા જઇયે તો આ ફિલ્ડ એવી છે કે જ્યાં તમારી ધીરજની ખુબ પરીક્ષા લેવાય. કોઈ પક્ષી હોઈ કે કોઈ જંગલી પ્રાણી. પહેલા તો એમની ભાષા સમજવી આમાં ખુબ જરૂરી હોય છે. ખાસ તો કુદરતના સાનિધ્યમાં હોઈએ ત્યારે એમના સંરક્ષણની સાથે એની કાળજી અને તકેદારી પણ એટલી જ જરૂરી હોય છે. આપણે એમના ઘરે ગયા હોઈએ તો એમની આમન્યા અચૂક રાખવી જોઈએ. આવા ઉમદા વિચારો સાથે દિનેશભાઇ છેલ્લા 7 વર્ષથી ફોટોગ્રાફી ક્ષેત્રે જોડાયેલ છે.
કહેવાય છે કે નેશનલ જીઓગ્રાફી સાથે બીજા ઘણા એવા પ્લેટફોર્મ હોય છે કે જ્યાં ખાસ ફોટોગ્રાફી ક્ષેત્રે પોતાના ક્રિએટિવ ફોટા મોકલીને ઘણા ફોટોગ્રાફર એમાં ભાગ લેતા હોય છે. ક્યારેક ક્યારેક ફોટોગ્રાફી માટે વિવિધ સ્પર્ધાઓ યોજાય અથવા તો અલગ અલગ થીમ પર ઇવેન્ટ યોજાય ત્યારે દેશ -વિદેશથી ફોટોગ્રાફર આ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે. આ સ્પર્ધાઓમાં અલગ અલગ નીતિ – નિયમો અને સમય સુચકતાને આધીન એવા ઘણા બધા પેરામીટર પર ઉણા ઉતરે તેમજ અનુભવી જજ પેનલ દ્વારા ખરાઈ કર્યા બાદ જ આ પ્લેટફોર્મ પર એ ફોટોગ્રાફરના ફોટા પબ્લિશ થતા હોય છે. ખાસ તો આ પ્રકારના પ્લેટફોર્મના નિયમો મુજબ ફોટોગ્રાફી માટે ડીટેઇલ ઓરિજિનલ અને ખુદની માલિકી એટલે કે પોતે જાતે જ આ ફોટો પાડેલ હોવો જોઈએ. કેમેરાની રો ફાઈલ પણ સાથે હોવી જોઈએ અને આ બધું ચેક કર્યા બાદ જ આ પ્લેટફોર્મ પર ફોટા પબ્લિશ થતા હોય છે. ખાસ આ પ્રકારની સ્પર્ધામાં ફેમ મળવાના ચોક્કસ સ્થાન હોય છે. એટલે પબ્લિશ થનાર ફોટાને આંતરરાષ્ટ્રિય લેવલ પર સ્થાન મળે છે અને ખ્યાતિ પણ મળે છે. જેમ સોનુ આગમાંથી પસાર થઈને કુંદન બને છે એમ આગ જેવી આ બધી પ્રક્રિયામાંથી પસાર થનાર ફોટોગ્રાફર દિનેશભાઈ ખૂંટના ફોટોએ નેશનલ જિઓગ્રાફીમાં સ્થાન મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
આ અભૂતપૂર્વ સન્માન મેળવવા બદલ દિનેશભાઈ ખૂંટ કહે છે કે, આ ફોટો મેં વેળાવદર નેશનલ પાર્કની બાજુમાં આવેલા ગામમાંથી પસાર થતા રોડ ઉપરથી લીધો હતો. આ પ્રકારની એક મોમેન્ટ માટે વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફર આખી જિંદગી લગાડી દેતાં હોય છે. ખાસ તો આ ફોટો અને મોમેન્ટ માટે અમે આખો દિવસ એટલે કે 5 થી 6 કલાક રાહ જોયેલી. પોતાના અનુભવ વિશે વધુ જણાવતા દિનેશભાઇ કહે છે કે, સવારના 10 વાગ્યાથી લઇને સાંજના 5 વાગ્યા સુધી રાહ જોયા બાદ મને આ અદભુત મોમેન્ટ મળી હતી. સવારના 10 વાગ્યાથી એમ તો મેં ઘણી બધી ફોટોગ્રાફી કરી હતી પણ કોઈ સ્પેશિયલ કહેવાય એવી મોમેન્ટ મળી રહી નહોતી. છેક સાંજ પડવાના સમયે અમે ઘરે રીટર્ન થતા હતા અને થયું કે એક છેલ્લી વાર રાહ જોઈએ કે કુદરત કઇક સ્પેશિયલ મોમેન્ટ આપે. પછી ફાઇનલી મેં જોયું કે કાળીયાર હરણનું એક ટોળું અહીંથી ત્યાં ભેગું થવા લાગ્યું અને રોડની એકબાજુ 100 થી પણ વધારે સંખ્યામાં ટોળું ભેગું થઇ ગયું અને ત્યાંજ કુદરતે અમને એક તક આપી. અમે અમારા કેમેરા હજુ બેગમાંથી બહાર જ કાઢ્યા હશે ત્યાં પેલા હરણના ટોળા રોડ ક્રોસ કરવાની તૈયારી કરવા લાગ્યા. સાથે સાથે વરસાદ કહે મારુ કામ. બીજું બાજુ મારા સાથી મિત્રો તો ગભરાયા અને એ તો ગાડી લઈને ચાલવા માંડ્યા. પણ મને મનમાં હતું કે જો આ મોમેન્ટ ખોઇ દઈશ તો આ તક ફરી નહિ આવે. એટલે જ મેં કેમેરાની ચિંતા કર્યા વગર આ મોમેન્ટને ભરપૂર રીતે મારા કેમેરામાં ભરી લીધી. લગભગ 32 જીબીથી પણ વધારેનો ડેટા અને 400 થી પણ વધારે અલગ- અલગ મોમેન્ટ લીધી અને આજે એ જ સ્પેશિયલ મોમેન્ટે મને નેશનલ જિયોગ્રાફીમાં સ્થાન અપાવીને ખરેખર મને સ્પેશિયલ બનાવી દીધો.
આગળ જણાવતા દિનેશભાઈ કહે છે કે આ પ્રકારની ફોટોગ્રાફીની આર્ટ ફોર્મ, બુક પ્રકાશન તેમજ લેખકને તેમની બુક માટે અવારનવાર જરૂર પડતી હોવાથી મારા 2 ફોટાને (તારા પંથે તેમજ પેનડ્રાઇવ નામ ની બુક ) માં કવર પેજમાં સ્થાન પણ મળેલ છે. વાત આટલેથી ન અટકતા એમ છે કે વાઈલ્ડ લાઈફની આ કેટેગરીમાં 2015માં સુરતના દિનેશભાઇ ખૂંટનો ફોટો પબ્લીશ થયા બાદ આજ સુધી ગુજરાતના કોઈ ફોટોગ્રાફરના ફોટોને તેમાં સ્થાન મળેલ નથી. આ પણ એક સિદ્ધિ બરોબર જ છે.