સુરતનાં દાનવીરે 45 કોરોના વોરિયર્સને પોતાના ખર્ચે ગોવા ટ્રીપ કરાવી
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ શુભપ્રસંગોમાં વધેલું ભોજન એકઠું કરીને સુરત આસપાસ 100 km સુધી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે સાથે અન્ય સેવાકીય કાર્યોમાં ગં. સ્વ. બહેનોને સિલાઈ મશીન વિતરણ, અનાજ કરિયાણાની કીટ વિતરણ, એમના અભ્યાસ કરતા બાળકો માટે વિનામૂલ્યે નોટબુક, પેન અને બિસ્કીટ વિતરણ તથા આદિવાસી વિસ્તારોમાં સ્ટેશનરી વિતરણ ભોજન વિતરણ, સિવિલ/સ્વીમેર હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ, મેડિકલ સહાય, શૈક્ષણિક સહાય દ્વારા લોકઉપયોગી કાર્યો થાય છે, લોકડાઉનમાં 82 દિવસ દરરોજ 6,000 થી 6,500 જરૂરિયાતમંદો માટે રસોઈ બનાવી બપોરે અને સાંજે જમવાનું પહોંચાડાતું હતું, 45 સ્વયંસેવક સભ્યો સવારે 6 કલાકે રસોડે આવી સાંજે 9 કલાક સુધી શાકભાજી લાવી, સમારી, અનાજ કરિયાણુને દળી ભોજન બનાવી અલગ અલગ ટિમો બનાવી તેનું યોગ્ય રીતે વિતરણ કરતા હતા, દરેક કાર્યો અને વ્યવસ્થા સુનિયોજીત રીતે થાય એ હેતુથી આ સભ્યો 24 કલાક કાર્યરત રહેતા હતા આ સ્વયંસેવકો એકદમ ગ્રાઉન્ડ લેવલના હતા તેઓ તન અને મનથી માનવસેવા પ્રત્યે સમર્પિત અને કટિબદ્ધ હતા આ કોરોના વોરિયર્સનાં કોઈ સર્ટિફિકેટ નથી બન્યા પરંતુ આ એવા ખરેખર યોદ્ધાઓ હતા જેમણે માનવતાનાં રક્ષણ માટે યુદ્ધ લડયું હતું.
લોકડાઉન દરમિયાન રસોડામાં આર્થિક તકલીફનાં થાય એ હેતુથી ઉનાળામાં મુસ્કાન દ્વારા રત્નાગીરી હાફૂસ કેરીઓ વહેંચવામાં આવી હતી જેમાં જે આવક થઈ એનાથી 20 દિવસ રસોડું વધુ ચાલ્યું હતું, આ દિવસો દરમિયાન મુસ્કાનનાં રસોડે અલગ અલગ મહાનુભાવો સાથે મુસ્કાન ટ્રસ્ટીઓ આવતા હતા એમાના એક ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દુર્લભભાઈ જાદવાણી (સર્વમ ક્રિએશન) ને વિચાર આવ્યો કે દિવસ રાત સતત ખરી મહેનત તો આ સ્વયંસેવક યોદ્ધાઓ કરી રહ્યા છે તો એમના માટે કાંઈક કરવું જોઈએ, તેમણે મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાકેશભાઈ ગોધાણીને કહ્યું કે લોકડાઉન પછી આ સ્વયંસેવકોનો થાક ઉતરે એ માટે તેઓ બધાને પોતાના ખર્ચે વ્યવસ્થિત રીતે ગોવા લઈ જશે અને ફેરવશે, 45 સભ્યોને એસી ટ્રેનમાં આવવા જવા સાથે ત્યાં ભોજનની તકલીફ ના થાય એ હેતુથી સુરતી મહારાજ સાથે ત્રણે ટાઈમ સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેઓ આ કોરોના વોરિયર્સને લઈ સુરતથી પાંચ દિવસ માટે ગોવા પહોંચી ગયા છે ત્યારે ગોવાથી આ અંગે ઘનશ્યામભાઈ જાદવાણી એ વિશેષ જણાવ્યું છે કે લોકડાઉનમાં લોકોએ ઘણું દાન કર્યું પરંતુ જેમણે કોઈપણ જાતનાં લાઈમ લાઈટમાં આવ્યા વિના ખરી સાચા હૃદયથી સેવા કરી છે એ સ્વયંસેવકોનો થાક દૂર કરવાનો આ પ્રયત્ન છે, જોકે સાચા સેવાભાવીઓને ખરેખર ક્યારેય સેવાનો થાક લાગતો જ નથી પરંતુ જ્યારે ઘનશ્યામભાઈ જેવા દાનવીરો સેવાભાવી સભ્યોનું આ રીતે ધ્યાન રાખશે ત્યાં સુધી સેવાભાવી સભ્યોનો ઉમંગ અને ઉત્સાહ ક્યારેય ઓછો નહીં થાય.