સરદારધામ દક્ષિણ ગુ. ઝોન દ્વારા સુરત ખાતે સ્નેહમિલન એવમ સન્માન સમારોહ યોજાયો.
સરદારધામ સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને યુવા શકિતના સર્વાગી વિકાસ માટે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે કામ કરતી સંસ્થા છે. ત્યારે તેમાં દાન આપનાર દાતાઓનું પણ એટલુ જ મહત્વ છે. સરદારધામ દ્વારા મધ્ય ગુ., અમદાવાદ-ગાંધીનગર, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ખાતે ઝોન વાઇઝ સ્નેહ મિલન એવમ સન્માન સમારોહ યોજવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં ઝોન વાઇઝ અલગ અલગ સ્વરૂપે દાન આપનાર તમામ દાતાશ્રીઓના સન્માન કરવામાં આવ્યા. દક્ષિણ ગુ. ઝોન દ્વારા આ કાર્યક્ર્મ 8 જાન્યુઆરી રવિવારના રોજ કેપિટલ લોન્સ ફાર્મ, મોટા વરાછા સુરત ખાતે યુવા તેજ-તેજસ્વીની સભ્યો દ્વારા યોજવામાં આવ્યો હતો.
સુરત ખાતે યોજાયેલ સન્માન સમારોહ શ્રી મહેન્દ્રભાઇ કતારગામવાળાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગોવિંદભાઇ ધોળકીયા (SRK ગ્રુપ) ઉદ્દઘાટકશ્રી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી મથુરભાઇ સવાણી, જશુભાઇ બોમ્બેવાળા, નરેશભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, મધુભાઇ કથીરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગૌરવવંતા મહાદાતાશ્રી મનજીભાઈ ડુંગરાણી, મુખ્ય ભૂમિદાતાશ્રી જયંતીભાઈ બાબરીયા, ભવનદાતાશ્રી મુકેશભાઈ પટેલ, શ્રી હિંમતભાઈ ધોળકિયા તેમજ ભૂમિદાતા રાકેશભાઈ દુધાતની પણ સવિશેષ હાજરી રહી હતી. સરદારધામના પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયાએ હાજર લોકોને સંસ્થાના મિશન-વિઝન-ગોલ આધારિત પ્રવૃતિઓ અને આગામી આયોજનો અંગે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુ, ઝોનના દાતાશ્રીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, સામાજીક સંસ્થાઓના હોદ્દેદારો, યુવા તેજ-તેજસ્વીની સભ્યો એ રીતે ટોટલ 2500 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. દાનની સરવાણી વહાવતા આ કાર્યક્રમમાં દાતાશ્રીઓએ 12 કરોડ જેટલું મહાદાન લખાવ્યું હતું.
સરદારધામ સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે ઉજ્જવળ કારકિર્દી અને આર્થિક રીતે પગભર થાય તેવા ઉમદા વિચારથી પ્રતિ વર્ષ માત્ર 1 ₹ ટોકનથી સમાજની તેજસ્વી દીકરીઓને રહેવા, જમવા, માર્ગદર્શન, તાલીમ આપે છે. પાટીદાર સમાજની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે મદદરૂપ થવાના ઉમદા હેતુ સાથે સરદારધામે “દીકરી સ્વાવલંબન યોજના” શરૂ કરવાનો નમ્ર અને પવિત્ર પ્રયાસ કરેલ છે. ત્યારે દક્ષિણ ગુ. ઝોન આયોજીત કાર્યક્રમમાં ફુલ નહીં તો ફુલની પાંદડી એ ઉકિતને સાર્થક કરવા 107 સભ્યોએ આ યોજનામાં પોતાનું આર્થિક યોગદાન આપ્યું હતું. ”દીકરી સ્વાવલંબન યોજના” એ માત્ર યોજના નથી, પરંતુ દીકરીઓના જીવનમાં આમુલ પરિવર્તન લાવનાર એક પવિત્ર અને ઉમદા કાર્ય છે.