Jan Jagruti work Seva Social Work Surat news

શ્રી સમસ્ત પાટીદાર સમાજ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરના કુલ 125 કોરોના વોરિયર્સનું સન્માનપત્ર આપી અભિવાદન કરાયું.

શ્રી સમસ્ત પાટીદાર સમાજ કોવિડ કેર આઇસોલેશન સેન્ટરના કુલ 125 કોરોના વોરિયર્સનું સન્માનપત્ર આપી અભિવાદન કરાયું

– ભોજન સાથેના મિનિ હોસ્પિટલ જેવી અધતન સુવિધાયુકત તરીકે શહેરનું પ્રથમ ક્રમે આઇસોલેશન સેન્ટર રહ્યું
– 37 દિવસના સેવા યજ્ઞમાં કુલ 248 દર્દીની સારવાર આપીને આશરે 6 કરોડ થી વઘુ રૂપિયાનો ખર્ચ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટે બચાવ્યો
– દર્દીને તણાવ માંથી મુક્ત કરવા માટેફિઝિયોથેરાપી, યોગા, ગરબા, એરોબિક્સ, હાસ્યકલાકારો સહિતના કાર્યક્રમો થયા
– શહેરના નામાંકિત 51 ડોક્ટરો અને 75 થી વધુ સ્વયંસેવકોનું સમાજના અગ્રણીઓ દ્વારા માનવતા ને માન કોરોના યોદ્વાઓનું સન્માન’ અંતર્ગત કોરોના વોરિયર્સનું સન્માન કરાયું
– દર્દી પાસેથી એક પણ રૂપિયાના ખર્ચ લીધા વગર સારવાર આપીને પાટીદાર સમાજે માનવતા મહેકાવી

સુરત: સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના એ હાહાકાર મચાવી દીધો હતો ત્યારે સરકારી હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં પણ લોકોને બેડ કે ઓક્સિજન માટે જ્યાં ત્યાં ભટકવું પડતું હતું અનેક લોકોના પોતાના સ્વજનોને ગુમાવતા પરિવારના માળા વેર-વિખેર થઇ ગયા હતા. ત્યારે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટે સર્વ સમાજની ચિંતા કરીને કતારગામ આંબાતલાવડી સ્થિત સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં તારીખ 20 મી એપ્રિલના રોજ 72 બેડનું ઓક્સિજન સાથેનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું હતું. જે અંતર્ગેત રાત-દિવસ સેવા યજ્ઞમાં કોરોના પોઝિટિવ દદીઓની સારવાર કરી ને સેવા આપનાર ડોક્ટરોએ, નસિગ સ્ટાફ, સ્વયંસેવકો, સમાજપ્રેમી સહિતના 125 જેટલા કોરોના વોરિયર્સને રવિવારે સાંજે પાંચ કલાકે સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં સમાજના અગ્રણીઓ દ્વારા પ્રમાણપત્ર આપીને ’માનવતા ને માન કોરોના યોદ્વાઓનું સન્માન’ અંતર્ગત સન્માનીત કરાયા હતા. આ કાર્યક્રમમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઇ શેટા, ઉપપ્રમુખ કાળુભાઇ ઇટાળિયા (ભિમનાથ), ગોવિદભાઇ ધોળકિયા, લાલજીભાઇ પટેલ સહિતના સમાનના અગ્રણીઓના હસ્તે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઇ શેટાએ જણાવ્યું હતું કે, કોરોનાગ્રસ્ત દર્દીની સેવા કરવાનો અવસરને ક્યારેય ભૂલી શકાય તેવો નથી, આ વિકટ પરિસ્થિતિમાં સર્વે સમાજની ચિંતા કરીને આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. સુરત સહિત સૌરાષ્ટ્ર અને અન્ય રાજ્યના કોરોનાગ્રસ્ત દર્દીની સારવાર આ કોવિડ કેરમાં આપવામાં આવી હતી. મિનિ હોસ્પિટલ જેવી અધતન સુવિધા આપવામાં આવી હતી.

ઉપપ્રમુખ કાળુભાઇ ઇટાળિયાએ જણાવ્યું હતું કે, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા કોઇ પણ દાતા પાસેથી ખર્ચ લેવામાં આવ્યો નથી અહિ સવારની ચા થી લઇને સાંજના ભોજન સાથેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. એક પણ દર્દી પાસેથી કોઇ પણ પ્રકારનો ખર્ચ લેવામાં આવ્યો નથી. દર્દીને વિનામુલ્યે દવા સહિતની મેડીકલ કીટ આપવામાં આવી છે. સેન્ટરમાં કુલ 248 કોરોનાગ્રસ્ત દર્દીએ સારવાર લીઘી છે અને અહિં સારવાર દરમિયાન એક પણ દર્દીનું મોત થયું નથી તે જ આ સેન્ટરની સફળતા બતાવે છે. અમારી પાસે શહેરના નામાકિંત ડોક્ટોરની ટીમ તેમજ સ્વયંસેવકોની ટીમે નિ:સ્વાર્થ ભાવે 37 દિવસથી વધુ સેવા કરી હતી.

આ સેન્ટરમાં કતારગામ-વેડરોડ મેડિકલ એસોસિએશનના સહયોગી સંસ્થા તરીકે કોરોનાગ્રસ્ત દર્દીની તબીબ સારવાર આપી 37 દિવસ સુધી કાર્યહત રહ્યું હતું. જેમાં કુલ 248 કોરોનાગ્રસ્ત દર્દીની સારવાર કરવામાં આવી હતી. શહેરના નિષ્ણાંત ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફના તથા કર્મઠ સ્વયંસેવકોની નિઃસ્વાર્થ મહેનત, હૂંફ અને સંવેદના ના સંવાદ થકી 193 કોરોના સંક્રમિત દર્દી નારાયણ સંપૂર્ણ સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા હતા. જ્યારે 55 દર્દી નારાયણને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરીને તેમણે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. કુલ 248 દર્દીના ખર્ચની વાત કરીએ તો અંદાજે એક દર્દી દીઠ ૨.૫૦ લાખ રૂપિયાનો ખર્ચ નો અંદાજ મુકીએ તો આશરે ૬ કરોડ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીનો આરોગ્ય ખર્ચ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટે બચાવીને માનવતા મહેકાવી છે.

આ સેન્ટરમાં માત્ર સુરત શહેર નહીં પરંતુ સૌરાષ્ટ્ર તથા અન્ય રાજ્યના દર્દીનારાયણની સારવાર આપવામાં આવી હતી. આ સાથે શહેરની અનેક સેવાભાવી સંસ્થાઓ તથા વ્યક્તિઓ પણ આ આઇસોલેશન સેન્ટરને વધુ સુવિધાયુક્ત બનાવવાના પ્રયત્નો કર્યા હતા. જેમાં એમ્બ્યુલન્સ, પુસ્તકોનું દાન, વૃક્ષો ના કુંડા, આયુર્વેદિક દવાઓ, તો કોઈ એ સ્વયંસેવક મિત્રો માટે મોડી રાત્રે નાસ્તાની વ્યવસ્થા પહોંચાડવાની સેવા કરી હતી. આ સેન્ટરમાં દર્દીને તણાવ માંથી મુક્ત કરવા માટે ફિઝિયોથેરાપી, યોગા, ગરબા, એરોબિક્સ, હાસ્યકલાકારોના કાર્યક્રમો સાથે એલઇડી સ્કીન પર ભજન કીર્તન કથા વાર્તા વચ્ચે આખા સેન્ટરમાં ઉત્સાહ ઉર્જા અને ઉમંગનો માહોલ છવાયો રહેતા સાજા થયેલા દર્દીઓ પણ સેન્ટર છોડીને ઘરે જવા તૈયાર ન હતા. કોરોનાના કાળમાં દુનિયા એક બીજા ને હાથ મિલાવતા પણ ડરતી હોય એવા સમયમાં સ્વયંભુ રીતે સરદારધામ તથા સામાજિક સેવા કરતા 75 થી વધુ સ્વયંસેવકની ટીમે આ સેવાના યજ્ઞની જવાબદારી સંભાળી સાથે પેરા મેડિકલ સ્ટાફ તથા પરમેનન્ટ ડૉક્ટરની ટીમ તૈયાર રહી હતી.

કોઈ પણ પ્રકારનો જ્ઞાતી જાતિ વર્ગ સમૂહ નો વાદ રાખીયા વગર માત્ર ને માત્ર માનવતા વાદ ને ધ્યાનમાં રાખી પ્રથમ દિવસે જ 8 દર્દીનારાયણ ની સેવાની શરૂઆત કરવામાં આવી હતી. બાદમાં આ દર્દ માં દવા જેટલી જ માનવીય હૂંફ ની જરૂર છે, હિંમત ની જરૂર છે. એટલે સ્વયંસેવક મિત્રો એ આ જવાબદારી ઉપાડી કોઈ પણ પ્રકાર નો ડર કે ભય મતભેદ રાખ્યા વગર માનસિક રીતે ભાંગી પડેલા દર્દી નારાયણ નો હાથ પકડી હિંમત આપવાની શરૂઆત થઇ જેથી 248 દર્દીને કોરોના ભયથી મુક્ત કરવામાં પાટીદાર સમાજ સફળ રહ્યો હતો.

કતારગામ વેડરોડ મેડિકલ એસોસિએશન તથા શહેરના નામાંકિત ડોક્ટરો દરરોજ વિઝીટ પર આવીને પેરામેડિકલ સ્ટાફ પણ દર્દીનારાયણ ની બાજુમાં ઘર ના સભ્યોની જેમ બેસી જાય અને શાંતિ થી એમના પ્રશ્નો સાંભળીને તેમને હુંફ આપતા હતા. આ બધા પ્રયત્નોથી સેન્ટરમાં ભય નો માહોલ ક્યાં ગાયબ થઈ ગયો એ સમજાયું જ નહીં.

શહેર તથા રાજ્ય ના અનેકવિદ રાજકીય, સામાજિક વ્યક્તિઓએ સેન્ટરની મુલાકાત લીધી અને આયોજક સંયોજક તથા દર્દીનારાયણ ની હિંમત બનવાના પ્રયત્નો કર્યા હતા. સમસ્ત પાટીદાર સમાજ ભવનનો કર્તવ્યનિષ્ઠ સ્ટાફ પણ દરેક વ્યવસ્થામાં પોતાની માનવીય ફરજ સમજી દર્દીનારાયણ સાથે સેવાભાવીની પણ ભોજન સાથેની નિષ્ઠાવન સેવા નિભાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *