Jan Jagruti work

GPBO સુરત એમરલ્ડ વીંગમાં પદ્મશ્રી ડૉ.ગણપતભાઇ પટેલ (USA) દ્વારા એમના જીવનનાં અનુભવો પર યોજાયો વેબીનાર

કદમ ડગમગતા હોય, તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિને સાર્થક કરી છે આજના યુવાનોએ. જે દેશની આવતીકાલ છે. જ્યારે કોરોનાના કપરાં કાળમાં પરસ્પર રૂબરૂ મળીને થતાં વેપાર-ઉદ્યોગ પર બ્રેક લાગી ગઇ છે ત્યારે સરદારધામ દ્વારા ચાલતી અનેક પ્રવૃતિઓમાંની એક પ્રવૃતિ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન (GPBO)ના યુવાનોએ ઓનલાઇન વેપાર-ઉદ્યોગ માટેની ઓનલાઇન મીટીંગો શરૂ કરીને પોતાના વેપાર- ઉદ્યોગને બ્રેક લાગવા દીધી નથી અને આ દ્વારા બીજાં નાસીપાસ થયેલાં યુવાનોને એક નવો રાહ ચીંધ્યો છે. એમાં પણ જ્યારે સમાજના અગ્રણી બિઝનેસમેન એવાં લોકોનો દુરથી પણ દીલથી સપોર્ટ મળે ત્યારે યુવાનોમાં એક નવો ઉત્સાહ – ઉમંગ ઉમેરાય એ સ્વાભાવિક છે.

GPBO સંગઠનમાં 13700 થી વધુ બિઝનેસમેનો જોડાયેલાં છે. હાલમાં 4 અલગ-અલગ ઝોનમાં તેની 13 વીંગ કાર્યરત છે. જેમાં પરસ્પર નેટવર્કીંગ દ્વારા વેપાર-ઉદ્યોગ થાય છે. સુરતમાં હાલ તેની 3 વીંગ કાર્યરત છે. તા. 26/9/2020 શનિવાર રોજ સુરતની એમરલ્ડ વીંગમાં પદ્મશ્રી ડૉ. ગણપતભાઇ પટેલ (Founder Of Cherokee International (USA) , Founder And President Of Ganpat University-મહેસાણા) દ્વારા એમની લાઇફનાં લેસનો યુવાનો સાથે ઓનલાઇન મીટીંગમાં શેર કરાયા હતાં. પદ્મશ્રી ડૉ. ગણપતભાઇ પટેલે ઇલેકટ્રીકલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરી છે. તેમજ ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ સંબંધિત તેમના પરોપકારી પ્રયત્નોથી પણ તેમણે ખુબ નામના મેળવી છે. તેમને મળેલ પદ્મશ્રી એવોર્ડ જ એમણે સમાજ, દેશ ને દુનીયામાં કરેલા એમનાં પ્રદાનની સાક્ષી પુરે છે. આજ સુધી તો આવાં અનેકો અનેક એવોર્ડ્સ અને સન્માનોથી તેમને નવાજવામાં આવ્યાં છે. જ્યારે આવું ઉમદા વ્યક્તિત્વ સહજ રીતે એમનાં લાઇફના અનુભવોનું ભાથું યુવાનોને પીરસે ત્યારે યુવાનોમાં નવો પ્રાણ ચોક્કસ પુરાય જ.

તેમણે પોતાના જીવનના અનુભવો પરથી યુવાનોને જ્ઞાન પીરસ્યું કે સીમ્પલ લાઇફ જીવો, મા-બાપનો આદર કરો અને એમનું કહ્યું માનો. લક્ષ્મીજી અને સરસ્વતીને સાથે રાખીને કામ કરો. મહેનતથી કમાયેલા પૈસાની કદર કરો અને દેખાડો કરવા માટે તેને વેડફો નહીં. સંપતિ કરતાં સંતતિનું વધુ ધ્યાન રાખો. કેમકે પાછળની પેઢી કેળવાયેલી નહી હોય તો તમારી સંપતિ જાળવી નહી શકે અને કેળવાયેલી હશે તો જાતે જ રુપિયા કમાઇ લેશે. વધુમાં તેમણે જણાવ્યું કે મારી સફળતાનું મોટામાં મોટું રહસ્ય એ છે કે મેં મારી સાથે જોડાયેલા લોકોને હંમેશા ફેમીલીની માફક ટ્રીટ કર્યા છે. મારે દુનીયાના સૌથી ધનિક નહીં પણ દુનીયાના સૌથી સુખી માણસ થવું છે.

વેબીનારના આખરી ચરણમાં તેમણે GPBO ના યુવાનોના કામ અને ઉત્સાહને બિરદાવ્યાં.તેમજ કહ્યું કે દુનીયામાં વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે. તેને ઝડપીને તેનો ફાયદો ઉઠાવો. આ જ્ઞાન – વિજ્ઞાનની 21 મી સદી આઇડીયાલોજી અને ટેકનોલોજીની સદી છે. તેમાં પરસ્પર એકબીજાના સાથ-સહકારથી ખુબ વિકાસ કરો અને આગળ વધો. તમારે ગણપતભાઇ કે અન્ય કોઇ હસ્તી જેવાં નથી બનવાનું પણ તેમનાંથી પણ આગળ વધીને પોતાનું એક અલગ સ્થાન ઉભું કરવાનું છે. જે મુશ્કેલ છે પણ અશક્ય નથી. ત્યારબાદ તેમણે યુવાનોના અલગ અલગ પ્રશ્નોના નિખાલસતાથી જવાબ આપ્યા અને યુવાનોને વિશ્વાસ અપાવ્યો કે આપના દરેક કામમાં અમારા સૌનો હરહંમેશ સાથ-સહકાર રહેશે.

More news : www.ngofatafatnews.com

FB : NGO FATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *