Seva Social Work Surat news

અમદાવાદ ખાતેના નવનિર્મિત સરદારધામ ભવનનું ઇ-લોકાર્પણ અને ફેઝ-2 કન્યા છાત્રાલયનું ઇ-ભૂમિપૂજનનો લાઈવ કાર્યક્રમ સુરતમાં 9 સ્થળે યોજાયો.

*અમદાવાદ ખાતેના નવનિર્મિત સરદારધામ ભવનનું ઇ-લોકાર્પણ અને ફેઝ-2 કન્યા છાત્રાલયનું ઇ-ભૂમિપૂજનનો લાઈવ કાર્યક્રમ સુરતમાં 9 સ્થળે યોજાયો.*

અમદાવાદ વૈષ્ણોદેવી ખાતે નવનિર્મિત 200 કરોડના સરદારધામ ભવનનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ તેમજ 200 કરોડના સરદારધામ ફેઝ-2 કન્યા છાત્રાલયનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યુ. તેમજ આ પ્રસંગે હાજર પાટીદાર સમાજના અગ્રણીઓ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને સંબોધીત કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા, તેમજ અન્ય મંત્રીમંડળના સભ્યો સાથે સાથે સરદારધામના ભવનદાતાશ્રીઓ, ભુમિદાતાશ્રીઓ, અન્ય દાતાશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ સરદારધામ-અમદાવાદ ખાતે ઉપસ્થિતિ રહ્યા હતા.

વધુ માહિતી આપતા સરદારધામ પ્રમુખ સેવકશ્રી ગગજીભાઈ સુતરિયા એ જણાવ્યું હતું કે આ ભવન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોની છોકરીઓ- છોકરાઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં પાટીદાર સમાજની હોસ્ટેલમાં રહેતી તમામ દીકરીઓને વિના મૂલ્યે તેમજ દીકરાઓને વાજબી દરે તાલીમ, માર્ગદર્શન, રહેવા- જમવાની સગવડ મળશે.

સરદારધામ-અમદાવાદમાં 1600 વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધાઓ, 1 હજાર વિદ્યાર્થીઓ માટે ઇ-લાઇબ્રેરી, હાઇટેક ક્લાસરૂમ, જિમ, ઓડિટોરિયમ, હેલ્થકેર સેન્ટર, 50 લક્ઝરી ટ્રસ્ટી રૂમ અને વી.આઈ.પી. લોન્જ જેવી અન્ય સુવિધાઓ છે. આ ઉપરાંત ભવનમાં 1,000 લોકોની ક્ષમતાવાળા બે મલ્ટી-પર્પઝ હોલ, ઇન્ડોર ગેમ્સ અને અન્ય સુવિધાઓ છે. ભવનની શરૂઆતમાં જ સરદાર વલ્લભભાઈ પટેલની 50 ફૂટ ઊચી કાંસાની પ્રતિમા સ્થાપિત છે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગુજરાતમાં અલગ અલગ 60 સ્થળોએ થયું હતું. જેમાં સુરતમાં 9 સ્થળોએ આ કાર્યક્રમ વર્ચ્યુઅલી યોજાયો હતો સાથે સાથે નવસારી અને વાપીમાં પણ કાર્યક્રમ યોજાયો હતો. સુરત સ્થિત મુખ્ય કાર્યક્રમ સમસ્ત પાટીદાર સમાજની વાડી કતારગામ ખાતે થયો હતો. જેમાં સમાજ શ્રેષ્ઠીઓ, સામાજીક સેવાકીય રાજકીય મહાનુભાવો સાથે પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરત યુવા તેજ- તેજસ્વીની સંગઠન, GPBO, GPBS ટીમ દ્વારા થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *