ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) દ્વારા સુરતમાં સૌરાષ્ટ્રની સૂરત પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો
પુસ્તક વિમોચન એટલે લેખક પુસ્તક અર્પણની સાથે મસ્તક અર્પણ કરે છે, જે આપણા દિલના દ્વારે દસ્તક દે છે, કોઈપણ લેખક માટે પુસ્તક વિમોચનની ઘટના એ એક ઉંમરલાયક દીકરીના પિતા જેવી હોય છે. પ્રકાશક તેનું મોસાળું કરે છે અને વાચકો તેને વરમાળા પહેરાવે છે. આજે સુરતમાં અલગ અલગ 61 સ્થળે એક અનોખું વિક્રમી પુસ્તક વિમોચનનું આયોજન થયું હતું. સાથે સાથે લાખો લોકોએ ઓનલાઈન જોડાઈને પુસ્તકને વરમાળા પહેરાવી હતી. જેમાની એક સંસ્થા ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન (DICF) ની સાથે સુરત અપડેટ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વેવ ધ યુથ પાવર, સોશિયલ આર્મી ગ્રુપ જેવી સહયોગી સંસ્થાઓ જોડાઈ. તેમજ સુરત શહેરનાં નામાંકિત ડોક્ટરો અને મહાનુભાવોની હાજરીમાં ડાયમંડ હોસ્પિટલ, ચીકુવાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

સુરત એ દેશની સૌથી ઝડપી આગળ ધપતી આર્થિક રાજધાની છે. સૌરાષ્ટ્રનાં કર્મઠ, તાકાતવર અને સાહસી પરિવારોએ છેલ્લા 60 વર્ષમાં સુરતની સૂરત બદલીને સ્વવિકાસ સાથે સર્વવિકાસ કર્યો છે. તેની યશગાથા રૂપે લાખો સૌરાષ્ટ્રવાસીઓએ સુરતમાં કરેલા સંઘર્ષ વિશે સર્વાંગી સાથેના સ્વયંવિશ્લેષણની સાથોસાથ આત્મસંવેદન,સમન્વય, પુરુષાર્થ, પરમાર્થની સાથે વૈચારિક, સામાજીક, સાંસ્કૃતિક અને આર્થિક પરિવર્તન, આત્મગૌરવનો ટૂંકો પરિચય શ્રી નાનુભાઈ વાનાણી એ આજે આપણને આ પુસ્તક દ્વારા જ્યારે આપ્યો છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે ધરોહર સમાન આવનારી પેઢી જેમાંથી પ્રેરણા લઈ શકે એવું પુસ્તક સુરતમાં સૌરાષ્ટ્રની સૂરત ઉપલબ્ધ થયું છે. ત્યારે વધુમાં વધુ લોકો સુધી આ પુસ્તક પહોંચે એવી સૌને વિનંતી કરાય છે.

