કાઠિયાવાડ મિત્ર મંડળ-હોંગકોંગ ગ્રુપ દ્વારા સ્વયંસેવકોની સેવાને બિરદાવવા ઝુમ મીટીંગનું આયોજન કરાયું.
માતૃભુમિથી મોટું કોઇ ચંદન નથી હોતું..
વંદેમાતરમથી મોટું કોઇ વંદન નથી હોતું..
વિદેશમાં સ્થાયી થઇને દુરથી પણ દિલથી પોતાની માતૃભુમિ, ભારતીય સંસ્કૃતિ, ભારતીય તહેવાર- પારંપરિક મૂલ્યોની જાળવણી તેમજ જે માટીમાં રમીને મોટા થયાં હોય તેના પ્રત્યેની ફરજ અદા કરી શકાય તે હેતુથી સૌરાષ્ટ્રમાંથી હોંગકોંગ સ્થાયી થયેલા કાઠિયાવાડી સમાજ દ્વારા KMM ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી.
આ ગ્રુપ દ્વારા હોંગકોંગમાં કાઠિયાવાડીઓની મોજ એવાં લોક ડાયરાનું તેમજ નવરાત્રી રાસ ગરબાનું આયોજન સુંદર રીતે કરવામાં આવે છે. જેમાં બિટ્સના તાલે ત્યાં વસતા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક કાઠિયાવાડીઓ રંગે ચંગે ઝુમે છે. જયારે દેશસેવાની વાત આવે ત્યારે પણ આ ગ્રુપ વિદેશમાં રહીને દેશ પ્રત્યેની ફરજ અદા કરવાનું ચુકતા નથી. આ ગ્રુપના મિત્રો દ્વારા ઉરીના શહીદો માટે ઉર્વશી રાદડીયા, ઘનશ્યામભાઇ લાખાણી જેવા કલાકારોના માધ્યમથી ડાયરો યોજવામાં આવ્યો જેમાં લગભગ 13 લાખ રૂ. એકત્ર કરવામાં આવ્યા. એવી જ રીતે હાલમાં આ ગ્રુપ દ્વારા કોવીડ-19 મહામારીમાં જે સ્વયં સેવકો પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર, રાત દિવસ જરૂરિયાતમંદ લોકોની પડખે ઉભા રહ્યાં છે તેમની કામગીરી અને સમર્પણને બિરદાવવા તારીખ.28 શુક્રવારના રોજ ઝુમ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઝુમ મીટીંગમાં લોકોને ઉપયોગી થયેલા કર્મનિષ્ઠ 17 જેટલાં કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું. જેમાં 15 તો સુરતના જ યુવાનો હતા. જ્યારે સન્માનિત થનાર 1 યુવાન માણાવદર અને 1 યુવાન ગારીયાધારનાં હતા. આ ઝુમ મીટીંગમાં ગેસ્ટ સ્પીકર તરીકે સુરતના સમાજઅગ્રણી એવાં કાનજીભાઇ ભાલાળા, દિનેશભાઈ નાવડીયા તેમજ મારૂતિ વીર જવાન યુવા ટીમનાં કરૂનેશભાઇ રાણપરીયા હાજર રહ્યાં હતા. મુખ્ય વક્તાઓ દ્વારા છેલ્લા સવા વર્ષ દરમિયાન થયેલી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે વિગતવાર જાણકારી આપીને સૌને માહિતગાર કરાયા હતા. જરૂરિયાતમંદોને ભોજન, અનાજ કરિયાણા કીટ વિતરણ, રેલવે તથા ST માં વતન જનારા યાત્રીઓ માટે નાસ્તા સહિતની વ્યવસ્થાઓ, માસ્ક સેનિટાઇઝર સાથે ઇમ્યુનિટી બુસ્ટરનું વિતરણ, બીજી વેવ દરમિયાન 52 સંસ્થાઓ એક સાથે મળીને મહેશભાઈ સવાણીની આગેવાની હેઠળ સેવા સંસ્થાનાં બેનર હેઠળ વિનામુલ્યે સુંદર સુવિધાયુક્ત ઓક્સિજન સાથે આઈસોલેશન સેન્ટરોની સગવડ વિશે જણાવ્યું હતું. ઉપરાંત ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ, સ્વયંસેવકો દ્વારા અપાયેલી રાત દિવસની સેવા, નાસ્તા- ભોજનની વ્યવસ્થા , વતન ની વ્હારે સૌરાષ્ટ્રનાં આંતરીયાળ ગામોમાં ડૉક્ટરી ટીમ સાથેનું અભિયાન ખુબ સફળ રહ્યું હતું તેના વિશે વાત કરી હતી.સાથે સાથે શહેરની અન્ય સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે એમ્બ્યુલન્સ ટેક્ષી સેવાઓ, મૃત્યુ પામેલા કોરોના દર્દીઓ માટે અંતિમવિધિ માટેની સેવાઓની નોંધ લેવાઇ હતી. કોરોના વોરીયર્સ, સ્પીકર્સ તેમજ બીજા તમામ લોકોનો ઉત્સાહ વધારવા કલાકાર ઉર્વશીબેન રાદડીયા દ્વારા પ્રસંગને અનુરૂપ ગીત ગવાયું હતું જેનાથી લોકોને પાનો ચઢ્યો હતો ને કાર્યક્રમને પણ ચાર ચાંદ લાગ્યા હતા. આ કાર્યક્રમનું સફળ – સુચારૂ સંચાલન કાઠીયાવાડી મિત્ર મંડળ હોંગકોંગની ટીમ દ્વારા કરાયું હતું.
વિદેશમાં સ્થાયી થઇને પોતાના જ વતનની ખામીઓ કાઢતા તેમજ વતન તરફ પાછું વળીને ન જોતા તમામ લોકો માટે આ ગ્રુપ ખરેખર પ્રેરણારૂપ છે.